<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

વરસાદ ખેંચાતા નર્મદા કેનાલમાં પાણી છોડવાની તિલકવાડા ખેડૂતોની માંગ

અંડરગ્રાઉન્ડ કેનાલમાં પાણી નહીં આવતા અલ્વા, શીરા, ગોધામ સહિત 6 ગામોની 300 એકરથી વધુ જમીનના પાક પર ખતરો: નબળા ચોમાસા વચ્ચે કપાસ, તુવેર, દિવેલા, મકાઈ, કેળા અને શેરડી જેવા પાકને સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત

(ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત જિલ્લો છે,ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેવા તેમજ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી નોંધપાત્ર વરસાદ ન પડતા ખેડૂતો હવે સિંચાઈના પાણી માટે ચિંતિત બન્યા છે. વરસાદ ખેંચાતા તિલકવાડા તાલુકાના ખેડૂતો દ્વારા નર્મદા મુખ્ય કેનાલમાંથી પાણી છોડવાની માંગ કરવામાં આવી છે.
  તિલકવાડા તાલુકાના રાયસિંગપુરા ગામ નજીક નર્મદા મુખ્ય કેનાલમાંથી અલ્વા, શીરા, ગોધામ સહિતના આશરે 6 ગામોના ખેતરો સુધી પાણી પહોંચાડવા માટે અંડરગ્રાઉન્ડ કેનાલ બનાવવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ કેનાલમાં હજુ સુધી પાણી છોડવામાં આવ્યું નથી. જેના કારણે આ વિસ્તારની 300 એકરથી વધુ ખેતીની જમીનમાં ઉભેલા પાકને સિંચાઈના પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.
આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા કપાસ, તુવેર, દિવેલા, મકાઈ ઉપરાંત કેળા અને શેરડી જેવા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વરસાદ નહીં પડતા જમીનમાં ભેજ ઘટી રહ્યો છે અને પાકને પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. જો સમયસર સિંચાઈનું પાણી નહીં મળે તો ઉભા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
ખેડૂતોનું કહેવું છે કે, ખેડૂતોની સિંચાઈની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અંડરગ્રાઉન્ડ કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે કેનાલની જરૂરી સફાઈ અને કામગીરી પૂર્ણ કરી તેમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે. નર્મદા મુખ્ય કેનાલમાંથી આ પાણી અંડરગ્રાઉન્ડ કેનાલ મારફતે અલ્વા, શીરા, ગોધામ સહિતના ગામોના ખેતરો સુધી પહોંચાડવામાં આવે તો 300 એકરથી વધુ જમીનમાં ઉભેલા પાકને મોટું જીવનદાન મળી શકે તેમ છે.
નબળા ચોમાસાની સ્થિતિમાં ખેડૂતો માટે સિંચાઈનું પાણી જ પાક બચાવવાનો મુખ્ય આધાર બન્યું છે. જેથી સંબંધિત તંત્ર દ્વારા ખેડૂતોની રજૂઆતને ગંભીરતાથી લઈ અંડરગ્રાઉન્ડ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.

(10:06 PM IST)