News of Sunday, 15th November 2026
નવસારીના ઐતિહાસિક દાંડી મેમોરિયલમાં જવા માટે બસ કનેક્ટિવિટીનો અભાવના કારણે પ્રવાસીઓને ભારે હાલાકી
સુરત અને બારડોલીથી પણ દાંડી માટે સીધી બસની સુવિધા નથી. મર્યાદિત બસ સેવા પણ પ્રવાસીઓ માટે ઉપયોગી સાબિત થતી નથી:પ્રવાસીઓની સંખ્યા પર પણ અસર પડી

નવસારીના ઐતિહાસિક દાંડી મેમોરિયલમાં જવા માટે બસ નથી. પ્રવાસનને વેગ આપવાના દાવા વચ્ચે કનેક્ટિવિટીના અભાવે અહીં આવતા સહેલાણીઓ હાલાકી ભોગવી રહ્યા છે. વર્ષ 2018માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખુલ્લું મૂકેલું નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે. પરંતુ નવસારીથી દાંડી સુધી પૂરતી બસ સેવા અને યોગ્ય સમયપત્રકના અભાવે પ્રવાસીઓએ ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. સુરત અને બારડોલીથી પણ દાંડી માટે સીધી બસની સુવિધા નથી. મર્યાદિત બસ સેવા પણ પ્રવાસીઓ માટે ઉપયોગી સાબિત થતી નથી. જેના કારણે વેકેશન દરમિયાન પ્રવાસીઓની સંખ્યા પર પણ અસર પડી રહી છે. પ્રવાસીઓનું કહેવું છે કે દાંડીમાં પરિવાર સાથે ફરવાની મજા તો આવે છે, પરંતુ બસ કે ટ્રેનની સુવિધા ન હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
બીજી તરફ, ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશનનું અસ્તિત્વ જ મટી ગયું છે. ગાંધીજી ફાટક પાસે ટ્રેનને સ્ટોપેજ આપવાની પૂર્વ રેલવે મંત્રી દર્શનાબેન જરદોશની જાહેરાત પણ હજુ અમલી બની નથી. રસ્તાઓની ખરાબ સ્થિતિ, પૂરતી પહોળાઈનો અભાવ અને વધતા અકસ્માતો પણ પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. ત્યારે પ્રવાસીઓની માગ છે કે દાંડીમાં રોડ અને રેલવે કનેક્ટિવિટી વિકસાવવામાં આવે, જેથી 100 કરોડના આ ઐતિહાસિક સ્મારકને ખરા અર્થમાં વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી શકાય.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
