News of Sunday, 10th May 2026
બહુચરાજીના માત્રાસણ ગામ પાસે કરુણાંતિકા : નર્મદા કેનાલમાં પ્રેમી યુગલની મોતની છલાંગ
કેનાલમાંથી એકબીજાને વળગી પડેલી હાલતમાં મળ્યા મૃતદેહ:મહેસાણા ફાયર વિભાગની ટીમે 3 કલાકની જહેમત બાદ કાઢ્યા મૃતદેહ:પ્રેમ પ્રકરણમાં આત્યંતિક પગલું ભર્યું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન

મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના માત્રાસણ ગામ પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવક અને યુવતીએ મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, યુવક અને યુવતીએ કોઈ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા મહેસાણા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા કેનાલમાં સતત 3 કલાક સુધી સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અંતે ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.
ચોંકાવનારી બાબત એ હતી કે જ્યારે કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા, ત્યારે યુવક અને યુવતી એકબીજાને ભેટી પડેલી એટલે કે વળગી પડેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ કરુણ દ્રશ્ય જોઈને હાજર રહેલા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં આ મામલો પ્રેમ પ્રકરણ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, બંને ક્યા ગામના છે અને ક્યા સંજોગોમાં આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
