News of Saturday, 23rd May 2026
ગ્રીન ટેક્નોલોજીથી ગુજરાતના માર્ગોની કાયાપલટ: 20 જિલ્લાના 20 માર્ગો પર ₹1147 કરોડના ખર્ચે આધુનિક ક્લાયમેટ રેઝિલ્યન્ટ રોડનું નિર્માણ શરૂ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્પીડ-સ્કેલ વિઝનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મજબૂતી, જૂના મટેરિયલના રિસાયક્લિંગથી ખર્ચમાં 25% સુધીનો ઘટાડો અને રસ્તાઓનું આયુષ્ય 40% વધશે: પર્યાવરણની જાળવણી સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્રાંતિ

ગાંધીનગર, તા. 23 : ગુજરાતના માર્ગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નવા યુગનો પ્રારંભ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે સ્પીડ અને સ્કેલનું જે વિઝન આપ્યું છે તેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વધુ ગતિ અને મજબૂતી મળી રહી છે. આ વિઝનને અનુરૂપ રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટમાં ₹1147 કરોડની માતબર રકમની ફાળવણી કરીને ગુજરાતના માર્ગોને પર્યાવરણને અનુકૂળ, ટકાઉ અને ક્લાયમેટ રેઝિલ્યન્ટ બનાવવાની દિશામાં ઐતિહાસિક પગલું ભર્યું છે. આ રકમથી રાજ્યના 20 જિલ્લાના 20 મહત્વના માર્ગો પર ગ્રીન ટેક્નોલોજી આધારિત આધુનિક રસ્તાઓનું નિર્માણકાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. આ ટેક્નોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં હયાત રોડના જૂના મટેરિયલને ઉખાડીને ફેંકી દેવાને બદલે તેને જ રિસાયકલ કરીને ફરી ઉપયોગમાં લેવામાં આવશે. જેના કારણે એક તરફ પ્રોજેક્ટના ખર્ચમાં 20 થી 25 ટકા સુધીનો ઘટાડો થશે, તો બીજી તરફ કુદરતી સંસાધનોની બચત થશે અને કાર્બન ઉત્સર્જનમાં પણ ધરખમ ઘટાડો નોંધાશે.
રાજ્ય સરકાર દ્વારા જે 20 માર્ગોની પસંદગી કરવામાં આવી છે તેમાં ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ સુધીના તમામ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. પાટણ જિલ્લાનો લણવા-મણુંદ-સંડેર-બાલીસાણા રોડ અને રાધનપુર-મશાલી-માધાપુરા રોડ, ગીર સોમનાથનો યાત્રાધામને જોડતો ભીડીયા સોમનાથ રોડ, મહીસાગરનો સંતરામપુર-ઝાલોદ રોડ, ભરૂચ જિલ્લાનો ઔદ્યોગિક દૃષ્ટિએ અત્યંત મહત્વનો દયાદરા-નબીપુર-ઝનોર રોડ અને ઈલાવ-કોસંબા રોડ, મોરબીનો મોરબી-નાની વાવડી-બગથળા રોડ, સુરેન્દ્રનગર બાયપાસ રોડ, સુરતનો ડીંડોલી-કરડવા-ઇકલેરા રોડ, વડોદરાનો માંગલેજ-નારેશ્વર રોડ અને કરજણ-આમોદ રોડ, આદિવાસી વિસ્તાર છોટા ઉદેપુરનો કોસીન્દ્રા-ભાખા રોડ, આણંદનો ઇસરવાડા-ઉંદેલ રોડ અને યાત્રાધામ વડતાલને જોડતો વડતાલ-જોળ-બાકરોલ રોડ, મહેસાણાનો વાલમ-કડી રોડ અને પેપળુ-કાપરા રોડ, કચ્છનો લુણી-ગુંદાલા-પત્રી-ટપ્પર-બાબીયા રોડ, ભાવનગરનો તળાજા-ગોપનાથ રોડ, જામનગરનો કાલાવડ-જામવંથલી-ફલ્લા રોડ તેમજ નર્મદા જિલ્લાનો કોઠારા એપ્રોચ રોડ સામેલ છે. આ તમામ માર્ગો પર સ્થાનિક જરૂરિયાત મુજબ રોડને પહોળા કરવા, આર.સી.સી ગટરલાઈન, રિસર્ફેસિંગ, પ્રોટેક્શન વર્ક, ફોર લેનમાં રૂપાંતર, માટીકામ, રમ્બલ સ્ટ્રીપ, આધુનિક રોડ ફર્નિચર, સાઇડ શોલ્ડર, વ્હાઇટ ટોપિંગ, ગ્લાસ ગ્રીડ સહિતની કામગીરી કરવામાં આવશે.
ગ્રીન ટેક્નોલોજીની કાર્યપદ્ધતિ એકદમ વૈજ્ઞાનિક અને પર્યાવરણમિત્ર છે. સૌપ્રથમ હયાત રોડને ખાસ મશીનથી ઉખાડીને તેના પર ચૂનો પાથરવામાં આવે છે. ત્યારબાદ આ સામગ્રીને પલ્વરાઈઝ કરીને એટલે કે તેનો ભૂકો કરીને હેવી રોલરથી રોલિંગ કરી સ્થિર કરવામાં આવે છે. આ સપાટી પર ફરી જૂની ઉખાડેલી સામગ્રી પાથરીને ડ્રાય રોલિંગ કરવામાં આવે છે. ત્યારબાદ સિમેન્ટ સ્પ્રેડર મશીન દ્વારા સિમેન્ટ પાથરીને તેના પર ખાસ કેમિકલ સાથે સિમેન્ટનું સ્ટેબિલાઇઝેશન કરવામાં આવે છે જેથી બેઝ એકદમ મજબૂત બને છે. ત્યારબાદ પેડ ફુટ રૉલર, મોટર ગ્રેડર તથા ન્યૂમેટિક ટાયર રૉલરથી તેનું લેવલિંગ અને કોમ્પેકેશન કરવામાં આવે છે. આ કામગીરીના સાત દિવસ બાદ નોન વુવન મટેરિયલ એટલે કે સ્ટ્રેસ એબ્ઝોર્બિંગ મેમ્બ્રેન એટલે કે SAMI પાથરવામાં આવે છે. SAMI એક હાઇટેક ફાઇબર શીટ હોય છે જે ડામર પાથરતા પહેલા લગાવવાથી નીચેની તિરાડો ઉપર આવતી અટકે છે, વાહનોના વજન અને પ્રેશરને શોષી લે છે અને રોડનું આયુષ્ય સામાન્ય રોડની સરખામણીએ 40 ટકા સુધી વધારી દે છે.
આ ટેક્નોલોજીના અનેક ફાયદા છે. જૂના પેવમેન્ટની માટી, કપચી અને મેટલનો ફરી ઉપયોગ થતો હોવાથી નવા કુદરતી સંસાધનોનું ખોદકામ ઓછું કરવું પડે છે. રોડનો બેઝ વધુ મજબૂત બનતા વારંવાર રિપેરિંગ અને ખાડા પડવાની સમસ્યા લગભગ ખતમ થઈ જાય છે. વરસાદમાં રોડ ધોવાઈ જવાની કે પાણી ભરાવાથી તૂટી જવાની સમસ્યા પણ નહિવત થઈ જાય છે. સૌથી મહત્વનું એ કે આ પ્રક્રિયાથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘણી ઓછી થાય છે.
ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ ભરૂચ જિલ્લાના જંબુસર-ટંકાલી-દેવલા રોડનું કામ અત્યંત મહત્વનું છે. ₹50 કરોડના ખર્ચે તૈયાર થનારો આ માર્ગ જંબુસર પાસે નિર્માણાધીન ફાર્માસ્યુટિકલ બલ્ક ડ્રગ પાર્કને, ONGCના પ્લાન્ટને તેમજ દેવલા પાસેના મીઠાની ખેતીના વિસ્તારને જોડાણ પૂરું પાડે છે. આ ઉપરાંત દરિયાકિનારા પાસેના ઝીંગા ઉછેરના તળાવો માટે પણ આ માર્ગ વડોદરાથી રેલવે, એરપોર્ટ તેમજ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે દ્વારા દેશના અન્ય ભાગો સાથે સીધું જોડાણ પ્રદાન કરશે.
ગુજરાતમાં રોડ નિર્માણની અન્ય આધુનિક ટેક્નોલોજીમાં વેસ્ટ પ્લાસ્ટિકને ડામર સાથે મિક્સ કરીને બનાવાતા વેસ્ટ પ્લાસ્ટિક રોડ, જૂના ડામર પર કોંક્રિટ પાથરવાની વ્હાઇટ ટોપિંગ ટેક્નિક, પોચી માટીવાળા વિસ્તારમાં જમીનને મજબૂત કરવા માટેની જિયોગ્રીડ અને ડામરની લેયર વચ્ચે મજબૂતી માટેની ગ્લાસ ગ્રીડ, ચોમાસામાં પણ કામ કરી શકાય તેવી કોલ્ડ મિક્સ અસ્ફાલ્ટ, માટીમાં સિમેન્ટ ભેળવીને બેઝ મજબૂત કરતી સિમેન્ટ સ્ટેબિલાઇઝેશન, થર્મલ પાવર પ્લાન્ટના વેસ્ટ ફ્લાય એશનો ઉપયોગ, ઇન્ટરલોકિંગ પેવર્સ, પેનલ્ડ કોંક્રિટ અને લાંબા સમય સુધી ટકે તેવા પર્પેચ્યુઅલ પેવમેન્ટનો પણ સમાવેશ થાય છે. આમ ગ્રીન ટેક્નોલોજી અને આધુનિક પદ્ધતિઓના સમન્વયથી ગુજરાતના માર્ગો વધુ ટકાઉ, મજબૂત, સલામત અને ઓછા ખર્ચે તૈયાર થશે જે રાજ્યના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈ આપશે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
