<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

સુરતના આંગણે આદિવાસી સંસ્કૃતિનો દબદબો: પાંચ જ દિવસમાં રૂ. ૫ લાખથી વધુની કલા-કૃતિઓનું ધૂમ વેચાણ, વનૌષધિ અને બાંબુ આર્ટિફેક્ટ્સ છવાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખૂલ્લું મૂકેલું ‘ટ્રાયબલ હેરિટેજ’ પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું: ૩૮ કલાકારોને મળ્યું વૈશ્વિક મંચ, તમામ ખર્ચ સરકાર ભોગવશે

સુરત, તા. ૧૪: ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત ખાતે આયોજિત ‘વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’ (VGRE) એ રાજ્યના આદિવાસી વારસાને નવી ઓળખ અપાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયેલા ‘ટ્રાયબલ હેરિટેજ’ વિભાગમાં આદિવાસી હસ્તકલા, પરંપરાગત આહાર અને વનૌષધિઓના પ્રદર્શને મુલાકાતીઓના દિલ જીતી લીધા છે. તા. ૧ થી ૫ મે દરમિયાન યોજાયેલા આ પ્રદર્શનમાં માત્ર ૨૫ સ્ટોલ્સ પરથી જ પાંચ દિવસમાં રૂ. ૫.૩૧ લાખથી વધુનું વેચાણ નોંધાયું છે.
 
શુદ્ધ વનૌષધિ અને બાંબુ આર્ટની ભારે માંગ
આ પ્રદર્શનમાં વિવિધ આદિવાસી જિલ્લાઓમાંથી આવેલા ૩૮ કુશળ હસ્તકલાકારોએ પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું. જેમાં બાંબુ હસ્તકલા, લાકડાના અદભૂત આર્ટિફેક્ટ્સ, પરંપરાગત આભૂષણો, હાથવણાટના હેન્ડલૂમ વસ્ત્રો અને જંગલની શુદ્ધ વનૌષધિઓ મુખ્ય આકર્ષણ રહ્યા હતા. ખાસ વાત એ છે કે, આ વેચાણની તમામ આવક કોઈપણ કમિશન વગર સીધી આદિવાસી કલાકારોના ખિસ્સામાં ગઈ છે, જે તેમના આર્થિક ઉત્થાન માટે મોટું કદમ સાબિત થયું છે.
 
કલાકારો માટે સરકારની ‘રોયલ’ વ્યવસ્થા
આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સ્ટોલ્સમાં કલાકારોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે વિશેષ આયોજન કર્યું હતું. આદિવાસી કલાકારોને તેમના ઘરેથી સુરત આવવા-જવાનો વાહનખર્ચ તેમજ પ્રદર્શન દરમિયાન રહેવા અને જમવાનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવ્યો હતો. આનાથી કલાકારો કોઈપણ આર્થિક બોજ વગર પોતાની કલાને લોકો સુધી પહોંચાડી શક્યા હતા.
 
મહાનુભાવો અને વિદેશી મહેમાનોની મુલાકાત
આ એક્ઝિબિશનમાં માત્ર સ્થાનિક લોકો જ નહીં, પરંતુ કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીત તેમજ અનેક વિદેશી ડેલિગેટ્સે પણ મુલાકાત લીધી હતી. આ તકે નિષ્ણાતો દ્વારા ‘આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં પ્રવાસન’ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા પણ કરવામાં આવી હતી. વાયબ્રન્ટ ગુજરાતનું આ પ્લેટફોર્મ આદિવાસી ભાઈ-બહેનો માટે ઉદ્યોગસાહસિકતાના નવા દ્વાર ખોલવામાં સફળ રહ્યું છે.

(5:15 PM IST)