News of Wednesday, 3rd June 2026
સુરતમાં આંતરરાજ્ય ગેંગના પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા બે રીઢા ગુનેગારોને ચોરીની લક્ઝુરિયસ કાર સાથે ઝડપી લેવાયા
સુરત પોલીસની ગુનાહિત પ્રવૃત્તિઓ સામેની કડક ઝુંબેશ અંતર્ગત ઉત્રાણ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવી

સુરત પોલીસની ગુનાહિત પ્રવૃત્તિઓ સામેની કડક ઝુંબેશ અંતર્ગત ઉત્રાણ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે લાંબા સમયથી કાયદાની પકડથી દૂર ભાગતા બે કુખ્યાત અને રીઢા ગુનેગારોને ચોરીની લક્ઝુરિયસ કાર સાથે ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓ આંતરરાજ્ય ગેંગ ચલાવીને અલગ-અલગ રાજ્યોમાં વાહન ચોરી અને અપહરણ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપતા હતા, જેમના પકડાવાથી પોલીસ પ્રશાસને મોટી રાહત અનુભવી છે.
ઉત્રાણ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને ઘેવરચંદ ગુર્જર અને ફિરોઝ ઉર્ફે ફારૂક નામના બે રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ફોર વ્હીલર ગાડીઓની ચોરી કરી તેના ડોક્યુમેન્ટ્સમાં છેડછાડ કરીને બારોબાર વેચી મારવાની ગુનાહિત મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીની કાર પણ રિકવર કરવામાં આવી છે. આ બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લાંબો અને ચોંકાવનારો છે. આરોપી ઘેવરચંદ સામે અગાઉ અમદાવાદ, હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા વિવિધ રાજ્યોમાં અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે બીજા આરોપી ફિરોઝ સામે પણ અમદાવાદ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે આરોપી ફિરોઝ અગાઉ અમદાવાદમાં થયેલા એક મહિલાના અપહરણના કેસમાં પણ મુખ્ય આરોપી રહી ચૂક્યો છે. આ ગંભીર ગુનામાં અદાલત દ્વારા તેને 20 વર્ષની સખત સજા ફટકારવામાં આવી હતી, પરંતુ તે ચાલાકીપૂર્વક પેરોલ મેળવીને જેલમાંથી ફરાર થઈ ગયો હતો અને પેરોલ જમ્પ કરીને ગુનાખોરી આચરતો હતો. ઉત્રાણ પોલીસે આ બંને આરોપીઓની કડક પૂછપરછ શરૂ કરી છે, જેમાં આગામી દિવસોમાં અન્ય રાજ્યોમાં થયેલી મોટી ગાડીઓની ચોરી કૌભાંડનો ભેદ ઉકેલાય તેવી પૂરી સંભાવના છે. સુરત પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
