News of Thursday, 23rd July 2026
દુબઈથી ફ્લાઇટમાં આવેલા બે મુસાફરોએ પોતાની કમીઝના કોલરમાં સોનું છુપાવ્યું :અમદાવાદ એરપોર્ટ પર દાણચોરોના અનોખા કીમીયાનો પર્દાફાશ
પકડાયેલા બંને મુસાફરોએ કસ્ટમ્સની નજરથી બચવા માટે શર્ટના કોલરમાં અત્યંત ચતુરાઈપૂર્વક ગોલ્ડ પેસ્ટ છુપાવી લાવ્યા હતા :19.48 લાખથી વધુનું સોનુ જપ્ત

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ દ્વારા દાણચોરી વિરુદ્ધ વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અને ડીઆરઆઈ (DRI) ની ચોક્કસ બાતમીના આધારે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં દુબઈથી આવેલી ફ્લાઇટ નંબર 6E-1478 દ્વારા આવી રહેલા બે શંકાસ્પદ મુસાફરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મુસાફરો દ્વારા દાણચોરીની અનોખી જ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, પકડાયેલા બંને મુસાફરોએ કસ્ટમ્સની નજરથી બચવા માટે શર્ટના કોલરમાં અત્યંત ચતુરાઈપૂર્વક ગોલ્ડ પેસ્ટ છુપાવીને લાવ્યા હતા. જોકે, અધિકારીઓની સતર્કતાને કારણે આ ચાલાકી પકડાઈ ગઈ હતી. ઝીણવટભરી તપાસ દરમિયાન મુસાફરો પાસેથી ગોલ્ડ પેસ્ટ જપ્ત કરવામાં આવી હતી, જેને બાદમાં પ્રક્રિયા કરીને 24 કેરેટના ટીટી બાર (24 Karat TT Bars) માં રૂપાંતરિત કરવામાં આવી હતી. કસ્ટમ્સ દ્વારા કુલ 129.18 ગ્રામ વજનનું 24 કેરેટ શુદ્ધ સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
જપ્ત કરાયેલા આ સોનાની અંદાજિત બજાર કિંમત રૂપિયા 19.48 લાખ થી પણ વધુ હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ્સ વિભાગ દ્વારા કસ્ટમ્સ એક્ટ, 1962 ની જોગવાઈઓ હેઠળ આ સોનું જપ્ત કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર સોનાની ગેરકાયદેસર દાણચોરીને ડામવા માટે એઆઈયુ કસ્ટમ્સ દ્વારા સતત અને સઘન કાર્યવાહીઓ ચાલુ રાખવામાં આવી છે, જેનાથી દાણચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
