News of Saturday, 28th November 2026
ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકોમાં 1થી 25 ડિસેમ્બર દરમિયાન બે-બે સેવા દૂત અલ્પકાલીન વિસ્તારક તરીકે કાર્ય કરશે : ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા - પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી
ભાજપાના ‘સેવા દૂત અભિયાન’ અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતા અને પ્રદેશ સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં સુરતમા દક્ષિણ ઝોનની કાર્યશાળા : અલ્પકાલીન વિસ્તારકોને અભિયાન અંતર્ગત સેવા આધારિત જનસંપર્ક-સંગઠનાત્મક કામગીરી અંગે માર્ગદર્શન

અમદાવાદ તા.૨૮ : ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા અને જનકલ્યાણના વિચારને જનસંપર્કના માધ્યમથી સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ‘સેવા દૂત અભિયાન’ અંતર્ગત આજે સુરત ખાતે દક્ષિણ ઝોનની કાર્યશાળા યોજાઈ હતી. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કાર્યશાળામાં અભિયાનની સમગ્ર કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ ઉપસ્થિત અલ્પકાલીન વિસ્તારકોને સંબોધિત કરતાં અભિયાનને જનતા સાથે સતત સંપર્ક અને સંવાદનું માધ્યમ બનાવવા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીશ્રીના સેવા સંકલ્પને સંગઠનની કામગીરી સાથે જોડીને દરેક વિધાનસભા ક્ષેત્રમાં નાગરિકો સુધી પહોંચવા, તેમની અપેક્ષાઓ સમજવા અને જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અસરકારક રીતે પહોંચાડવા અંગે બંને મહાનુભાવોએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ‘સેવા દૂત અભિયાન’ 1 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર, 2026 દરમિયાન યોજાનાર છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકોમાં બે-બે સેવા દૂત અલ્પકાલીન વિસ્તારક તરીકે જવાબદારી નિભાવશે. આ માટે ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો, પૂર્વ જિલ્લા પ્રમુખો, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખો, પ્રદેશના વર્તમાન અને પૂર્વ હોદ્દેદારો તથા વરિષ્ઠ આગેવાનોને અન્ય વિધાનસભા ક્ષેત્રોમાં જનસંપર્કની જવાબદારી સોંપવામાં આવી છે.
સેવા દૂતો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ, સરકારની જનકલ્યાણકારી યોજનાઓના સેચ્યુરેશન, સામાજિક સંસ્થાઓ સાથે તેમજ સ્થાનિક નાગરિકો સાથે સંવાદ કરીને વિસ્તારના પ્રશ્નો તથા લોકોની અપેક્ષાઓને સમજશે. સાથે જ સમાજમાં ચર્ચાતા વિવિધ મુદ્દાઓ અને નેરેટિવ અંગે હકીકતલક્ષી માહિતી સાથે સંવાદ સ્થાપિત કરવામાં આવશે. આ કામગીરી દ્વારા જનભાગીદારી વધારવાની અને સંગઠનના જનસંપર્કને વધુ વ્યાપક બનાવવાની દિશામાં પ્રયાસ કરવામાં આવશે.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, સાંસદ મુકેશભાઈ દલાલ, અભિયાનના પ્રદેશ સંયોજક જયસિંહ ચૌહાણ, દક્ષિણ ઝોનના જિલ્લા અધ્યક્ષ તથા પ્રભારી , સેવા દૂતો, સમન્વયકો સહિત આગેવાનો અને અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.તેમ ગુજરાત ભાજપ પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળાની યાદીમાં જણાવ્યું છે.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
