<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ ‘ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ’ : અદ્યતન ટેકનોલોજી અને સીસીટીવી નેટવર્કના ઉપયોગથી પોલીસે ૨૮ દિવસમાં ૪૨ ગુમ બાળકોને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું

ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ અને સીઆઈડી ક્રાઈમના એડીજીપી અજય ચૌધરી ના માર્ગદર્શન હેઠળ ખંભાતમાં ગુમ ધોરણ ૭ની વિદ્યાર્થીની સહિત રાજ્યભરમાંથી બાળકોનું સફળ રેસ્ક્યૂ : સાયબર જાગૃતિ અને ડિજિટલ સુરક્ષા માટે આયોજિત ચાર તબક્કાનું અભિયાન સફળ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાત પોલીસે સાયબર સુરક્ષાને મજબૂત કરવા અને ડિજિટલ ઇકોસિસ્ટમમાં મહિલાઓ તથા બાળકોની સુરક્ષા વધારવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યવ્યાપી 'ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ' સફળતાપૂર્વક હાથ ધર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ તથા રાજ્ય પોલીસ વડા (ડીજીપી) જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ વિશિષ્ટ અભિયાન દરમિયાન પોલીસે અદ્યતન ટેકનોલોજી અને સીસીટીવી એનાલિટિક્સના સઘન ઉપયોગ થકી ૧ જુલાઈથી ૨૮ જુલાઈ સુધીના માત્ર ૨૮ દિવસના ટૂંકા ગાળામાં ૪૨ ગુમ થયેલા બાળકોને શોધી કાઢીને તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું છે.

 'વિશ્વાસ ફેઝ-૨' સીસીટીવી અને ડિજિટલ સરવેલન્સથી ખંભાતમાં બાળકીનો ગણતરીના કલાકોમાં બચાવ:
આ અભિયાન અંતર્ગત ટેકનોલોજીના સફળ ઉપયોગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આણંદ જિલ્લાના ખંભાતમાં જોવા મળ્યું હતું. ખોડિયાર નગર સોસાયટી સ્થિત ઘરેથી ખંભાત નાગરિક સહકારી બેંક પ્રાથમિક શાળા જવા નીકળેલી ધોરણ ૭ની વિદ્યાર્થીની રસ્તામાંથી ગુમ થઈ ગઈ હતી. બાળકી શાળાએ ન પહોંચતાં વર્ગશિક્ષકે વાલીઓને જાણ કરી હતી અને વાલીઓએ તુરંત ખંભાત સિટી પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસ તપાસકર્તાઓએ સમયસૂચકતા દાખવી 'વિશ્વાસ ફેઝ-૨' સીસીટીવી નેટવર્કના ફૂટેજ તથા ડિજિટલ સરવેલન્સ સાધનોનું સઘન વિશ્લેષણ કરીને ગણતરીના કલાકોમાં બાળકીને તેની સાયકલ સાથે સુરક્ષિત શોધી કાઢી પરિવારને સોંપી હતી.

સીઆઈડી ક્રાઈમ અને રેલવે પોલીસ દ્વારા ચાર તબક્કામાં કડક કાર્યવાહી:
સીઆઈડી ક્રાઈમ (વુમન સેલ)ના અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) અજય ચૌધરીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ અભિયાન સીઆઈડી ક્રાઈમ અને રેલવેના પોલીસ મહાનિર્દેશક (DGP) ડૉ. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યના સ્થાનિક પોલીસ સ્ટેશનોની સક્રિય ભાગીદારી સાથે સીઆઈડી ક્રાઈમ અને રેલવે વિભાગ દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ સમગ્ર ઓપરેશન ચાર તબક્કામાં હાથ ધરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ સાયબર જાગરૂકતા કેળવવાનો, નિવારક પગલાં મજબૂત કરવાનો, સાયબર અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરવાનો અને સાયબર સ્પેસમાં મહિલાઓ તથા બાળકોના રક્ષણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો.

સાયબર જાગૃતિ, ડિજિટલ સાક્ષરતા અને જાહેર સુરક્ષા પર ભાર:
ગુમ થયેલા બાળકોને શોધવા અને સાયબર તપાસની ગુણવત્તા સુધારવા ઉપરાંત, આ અભિયાનમાં નાગરિકોને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા અને સાયબર જોખમો વિશે જાગૃત કરવા પર વિશેષ ભાર મુકાયો હતો. પોલીસે રાજ્યભરમાં આઉટરીચ સેશન્સ, જાગૃતિ કાર્યક્રમો અને સોશિયલ મીડિયા કેમ્પેઈનનું આયોજન કરીને પ્રજાજનોને ડિજિટલ સુરક્ષા પદ્ધતિઓ, સાયબર હાઈજીન અને ઈન્ટરનેટના જવાબદાર ઉપયોગ અંગે માહિતી પૂરી પાડી હતી. આ પહેલ સાયબર સ્પેસને વધુ સુરક્ષિત બનાવવા સાથે સમગ્ર રાજ્યમાં જાહેર સુરક્ષા વધારવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની ગુજરાત પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

(11:14 AM IST)