તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Sunday, 2nd August 2026
નવસારીના શરબતિયા તળાવમાં અજાણી મહિલાએ કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો :સ્થાનિકોની સમયસર મદદથી મહિલાનો બચાવ
મહિલા બાદમાં પોતાનું ટૂ વ્હીલર લઈને સ્થળ પરથી જતી રહી : તળાવની પાળે રેલિંગ અને સુરક્ષા વ્યવસ્થાના અભાવે આ સ્થળ જોખમી બન્યું હોવાના આક્ષેપો સાથે તંત્ર સામે સવાલો ઉઠ્યા

નવસારી શહેરનું શરબતિયા તળાવ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. તળાવમાં કૂદી અજાણી મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. સદનસીબે સમયસર મદદ મળી જતા મહિલાનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. જોકે બચાવ બાદ મહિલા પોતાનું ટૂ વ્હીલર લઈને સ્થળ પરથી જતી રહી હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે સમગ્ર ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર નવસારીના શરબતિયા તળાવ પાસે એક અજાણી મહિલા પહોંચી હતી. થોડા સમય બાદ તેણે અચાનક તળાવમાં છલાંગ લગાવી દીધી હતી. આસપાસ હાજર લોકોએ ઘટનાની જાણ થતાં જ મદદ માટે દોડધામ શરૂ કરી હતી. સ્થાનિક લોકો અને બચાવ કામગીરીમાં જોડાયેલા લોકોએ તાત્કાલિક પ્રયાસો હાથ ધરી મહિલાને પાણીમાંથી બહાર કાઢી હતી.
મહિલાને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સ્થળ પર હાજર લોકોએ પ્રાથમિક સારવાર આપવામાં મદદ કરી હતી. મહિલાની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ઘટનાની ગંભીરતા વચ્ચે બચાવ બાદ મહિલા પોતાનું ટૂ વ્હીલર લઈને સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી.
છેલ્લા કેટલાક સમયથી શરબતિયા તળાવમાં પાણી છલોછલ ભરાયેલું છે અને મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા માટે આવે છે. પરંતુ તળાવની પાળે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે જોખમ વધી રહ્યું છે. ખાસ કરીને રેલિંગનો અભાવ ગંભીર મુદ્દો બની રહ્યો છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે તળાવની આસપાસ મજબૂત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવી હવે અત્યંત જરૂરી બની ગઈ છે.
ઘટના બાદ નાગરિકોમાં એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જાહેર સ્થળ તરીકે જાણીતા તળાવ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા કેમ નથી. તળાવની પાળે રેલિંગ, ચેતવણી બોર્ડ, સીસીટીવી કેમેરા અને સુરક્ષા કર્મચારીઓની ગેરહાજરીને કારણે અકસ્માત કે આત્મહત્યાના પ્રયાસ જેવી ઘટનાઓ બનવાની શક્યતા વધી શકે છે. સ્થાનિક લોકો તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માગ કરી રહ્યા છે.
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
