News of Wednesday, 22nd July 2026
વીજ થાંભલાઓ અને એકલા વૃક્ષો નીચે આશરો ન લેવા માટે તાકીદ: સુરત જિલ્લા પર તોળાતા ભારે વરસાદના ખતરાને પગલે જિલ્લા કલેક્ટરે ખુદ મેદાને આવી અપીલ કરી
આરોગ્ય અને સલામતીના દ્રષ્ટિકોણથી કલેક્ટરે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ટાળવા, ઇલેક્ટ્રોનિક સાધનો અનપ્લગ કરવા, ઉકાળેલું અને શુદ્ધ પાણી પીવા તેમજ સ્વચ્છ ખોરાક લેવા અપીલ કરી

સુરત જિલ્લામાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ અને આગામી દિવસોમાં વરસાદનું જોર વધુ વધવાની હવામાન વિભાગની ગંભીર આગાહીને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમાર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ અને વિસ્તૃત અપીલ જારી કરવામાં આવી છે. કલેક્ટરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આગામી સપ્તાહ દરમિયાન વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે, જેથી નાગરિકોએ અત્યંત સતર્કતા દાખવવી અનિવાર્ય છે.
ચોમાસાની આ સિઝનમાં ગાજવીજ સાથે આકાશી વીજળી પડવાના જોખમને ટાળવા માટે કલેક્ટર દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. નાગરિકોને ખુલ્લા મેદાનો, ખેતીના ખેતરો, તળાવો, નદીઓ, વીજ થાંભલાઓ અને એકલા વૃક્ષો નીચે આશરો ન લેવા માટે તાકીદ કરાઈ છે. વીજળીના ચમકારા સમયે શક્ય હોય ત્યાં સુધી પાકા મકાનો અથવા બંધ વાહનોમાં જ સુરક્ષિત આશરો લેવો હિતાવહ છે. આ ઉપરાંત, વરસાદની આ આફત વચ્ચે બિનજરૂરી મુસાફરી ટાળવા અને પાણી ભરાયેલા તેમજ નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
આરોગ્ય અને સલામતીના દ્રષ્ટિકોણથી કલેક્ટરે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ટાળવા, ઇલેક્ટ્રોનિક સાધનો અનપ્લગ કરવા, ઉકાળેલું અને શુદ્ધ પાણી પીવા તેમજ સ્વચ્છ ખોરાક લેવા અપીલ કરી છે. મચ્છરજન્ય રોગો ના ફેલાવાને અટકાવવા આસપાસ પાણી ભરાવા ન દેવા સૂચના અપાઈ છે. કોઈપણ પ્રકારની શારીરિક તકલીફ જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. વહીવટી તંત્ર દ્વારા અફવાઓથી દૂર રહીને માત્ર સરકાર માન્ય માહિતી અને તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
