તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Tuesday, 15th September 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ‘વડનગરથી વારાણસી’ અને ‘વારાણસીથી વડનગર’ સેવા સંકલ્પ બાઈક યાત્રા યોજાશે
૧૭ સપ્ટેમ્બરે વડનગરમાં અમિતભાઈ શાહ અને ભુપેન્દ્રભાઈ પટેલ તો કાશીથી રાજનાથસિંહ અને યોગી આદિત્યનાથ યાત્રાને પ્રસ્થાન કરાવશે : ૧૦ રાજ્યોના ૧૯૩ જિલ્લાઓમાંથી પસાર થઈ ૪૦,૦૦૦ કિમીનું અંતર કાપશે : ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે જનસેવા અને સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૭ ઓક્ટોબર સુધી દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘વડનગરથી વારાણસી’ અને ‘વારાણસીથી વડનગર’ સેવા સંકલ્પ બાઈક યાત્રાનું વિરાટ આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં યાત્રાના રાષ્ટ્રીય ઇન્ચાર્જ વી. ડી. શર્માજી અને પ્રદેશ ઇન્ચાર્જ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રભારી અજયભાઈ બ્રહ્મભટ્ટ, રાજ્યના મંત્રીઓ કૌશિકભાઈ વેકરિયા, કમલેશભાઈ પટેલ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલ, યુવા મોરચાના રાષ્ટ્રીય મીડિયા ઇન્ચાર્જ અમનદીપજી તથા કુ. પ્રજવલજી ઉપસ્થિત રહ્યા હતા.
વડનગર અને કાશી ખાતેથી એકસાથે પ્રસ્થાન:
લોકસભાના સાંસદ અને યાત્રાના રાષ્ટ્રીય ઇન્ચાર્જ વી. ડી. શર્માજીએ જણાવ્યું કે, તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૯.૩૦ કલાકે વડાપ્રધાનની જન્મભૂમિ વડનગર અને કર્મભૂમિ વારાણસી બંને સ્થળોએથી એકસાથે આ બાઈક યાત્રા બે દિશામાં પ્રસ્થાન કરશે. વડનગર ખાતેના પ્રસ્થાન કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે, કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી તથા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. હેમાંગભાઈ જોષી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
જ્યારે કાશી ખાતેથી શરૂ થનારી યાત્રામાં દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન સહિતના નેતાઓ હાજર રહેશે.
૧૦ રાજ્યો, ૧૯૩ જિલ્લા અને ૪૦,૦૦૦ કિમીનો પ્રવાસ:
આ સેવા બાઈક યાત્રા દેશના ૧૦ રાજ્યોના ૧૯૩ જિલ્લાઓ અને ૧,૧૫૯ ગામડાંઓમાંથી પસાર થઈને અંદાજે ૪૦,૦૦૦ કિલોમીટરનું ભગીરથ અંતર કાપશે. બંને બાજુથી ૧૦-૧૦ ગ્રુપમાં ૨૫-૨૫ સેવા યાત્રીઓ લેખે કુલ ૧,૦૦૦ જેટલા યુવાનો આ આયોજનમાં સક્રિય ભાગ લેશે. કાશી ખાતેથી પ્રસ્થાન પૂર્વે વિવિધ નદીઓ તથા જળસ્ત્રોતોનું પવિત્ર જળ એકત્ર કરી કાશી વિશ્વનાથ મહાદેવનો જળાભિષેક કરાશે.
બાઈક યાત્રા દરમિયાન યોજાનારા કાર્યક્રમો:
યાત્રા દરમિયાન દરરોજ પ્રસ્થાન સ્થળે ૨૫ વૃક્ષોના ઉછેરનો સંકલ્પ લેવાશે. સાથોસાથ સ્વચ્છતા અભિયાન, નશામુક્ત ભારત, ટીબી મુક્ત ભારત, પ્લાસ્ટિક મુક્ત ભારત અને જળસંરક્ષણ જેવા સેવાકીય કાર્યો કરાશે. નક્સલ પ્રભાવિત વિસ્તારો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ જેવા રાજ્યોમાં થયેલા પરિવર્તન અંગે સ્થાનિકો સાથે સંવાદ સાધવામાં આવશે. આ ઉપરાંત, 'લખપતિ દીદી' અને 'ડ્રોન દીદી' જેવી યોજનાઓના લાભાર્થીઓ અને નારીશક્તિ સાથે સંવાદ યોજાશે.
ગુજરાતના ચાર ઝોનમાંથી નીકળેલી ઉપયાત્રાઓ:
પ્રદેશ ઇન્ચાર્જ ડૉ. પ્રશાંતભાઈ કોરાટે માહિતી આપી હતી કે, તા. ૧૩ સપ્ટેમ્બરથી ગુજરાતના ચારેય ઝોન સોમનાથ, શામળાજી, પાવાગઢ અને ઉનાઈ માતાજી મંદિરથી નીકળેલી ઉપયાત્રાઓ ૧૬ સપ્ટેમ્બરની રાત્રિ સુધીમાં વડનગર પહોંચશે. માર્ગમાં આવતા વિવિધ ગામોમાં નદીઓ, તળાવો અને કૂવાઓમાંથી જળ એકત્ર કરી જળકળશ રથમાં પધરાવવામાં આવી રહ્યું છે. વડનગરના શર્મિષ્ઠા તળાવનું જળ ઉમેરી હાટકેશ્વર મહાદેવ મંદિરે જળાભિષેક કરાયા બાદ આ જળકળશ વારાણસી લઈ જવાશે, જ્યાં કાશી વિશ્વનાથ મહાદેવનો જળાભિષેક કરાશે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
