<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

વડોદરામાં યુવતીએ પોલીસ ચોકીમાં જ યુવકને ઝીંકી થપ્પડ : 'તાંત્રિક વિધિ કરીને મારી સાથે લગ્ન કર્યા', 7 અરજી બાદ પણ PIએ ફરિયાદ ન લીધી

વડોદરાના ગોરવા વિસ્તારમાં પરિણીત મહિલાનો પતિ અને સાસરિયાં વિરુદ્ધ ગંભીર આક્ષેપ: વિદેશમાં નોકરીના બહાને ₹15 લાખ પડાવ્યા, પૈસા પાછા માંગતા અશ્લીલ ફોટા વાઈરલ કરવાની ધમકી. સાસરિયાં પર તાંત્રિક વિધિથી વશમાં રાખવાનો આરોપ. પોલીસ ફરિયાદ ન લેતા યુવતીએ ચોકીમાં જ યુવકને થપ્પડ મારી

વડોદરા : વડોદરા શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગોરવા વિસ્તારમાં રહેતી એક પરિણીત યુવતીએ પોલીસ ચોકીમાં જ તેના પતિને થપ્પડ ઝીંકી દીધી હતી. યુવતીએ આક્ષેપ કર્યો કે યુવકે તાંત્રિક વિધિ કરીને તેને વશમાં કરી લગ્ન કર્યા હતા.

 

શું છે સમગ્ર મામલો?

 

 

મળતી માહિતી અનુસાર, ખાનગી બેન્કમાં નોકરી કરતી ફરિયાદી મહિલાની ઓળખ પાર્થ રોહિત સાથે કામના સંદર્ભમાં થઈ હતી. આ ઓળખાણ ધીમે ધીમે પ્રેમ સંબંધમાં પરિણમી. મહિલાએ શરૂઆતમાં લગ્નની ના પાડી હતી, પરંતુ પાર્થના સતત દબાણ અને ભાવનાત્મક બ્લેકમેઈલના કારણે તે લવ-મેરેજ કરવા તૈયાર થઈ અને બંનેએ રજિસ્ટ્રેશન કરાવ્યું.

 

₹15 લાખની છેતરપિંડી અને બ્લેકમેઇલિંગ

 

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્ન બાદ પાર્થ રોહિતે વિદેશમાં નોકરી મેળવવાની વાત કરી પત્ની પાસેથી કુલ 15 લાખ રૂપિયા પડાવ્યા હતા. મહિલાએ જ્યારે પૈસા પરત માંગ્યા તો પતિએ તેના અશ્લીલ ફોટા અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી.

 

 

તાંત્રિક વિધિનો ગંભીર આરોપ

 

 

યુવતીએ સાસરિયાં વિરુદ્ધ પણ ગંભીર આક્ષેપ કર્યો છે. તેણે કહ્યું કે સાસરિયાંએ તેના પર તાંત્રિક વિધિ કરાવી તેને વશમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. લગ્ન બાદ તેને શારીરિક અને માનસિક ત્રાસ પણ આપવામાં આવ્યો હતો.

 

પોલીસની કામગીરી પર સવાલ

 

પીડિત યુવતીનો આરોપ છે કે તેણે આ મામલે PI સમક્ષ 7 વખત અરજી કરી, છતાં પોલીસે ફરિયાદ નોંધી ન હતી. ન્યાય ન મળતા આખરે યુવતીએ પોલીસ ચોકીમાં જ યુવકને થપ્પડ મારી દીધી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે.

 

હાલ પોલીસે યુવતીની ફરિયાદના આધારે પતિ અને સાસરિયાં વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. PI દ્વારા ફરિયાદ ન લેવાના મામલે ઉચ્ચ અધિકારીઓએ પણ તપાસના આદેશ આપ્યા છે.

(3:51 PM IST)