<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 21 જેટલા વાહનચોરીના ગુન્હાનો ભેદ ઉકેલ્યો:રીઢા વાહનચોર મુનાવર શેખને ઝડપી લીધો

આરોપી ડુપ્લિકેટ ચાવીથી મોપેડ ચોરી કરતો અને ચોરાયેલા વાહનો અમદાવાદમાં કટિંગ કરીને સ્પેરપાર્ટ્સ વેચાતાં હતા

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચને વાહનચોરીના ગુનાઓ ડામવામાં મોટી સફળતા મળી છે. શહેરમાંથી મોપેડ અને અન્ય વાહનોની ચોરી કરતા એક રીઢા તસ્કર મુનાવર શેખને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની કડક પૂછપરછ દરમિયાન વડોદરા અને અન્ય શહેરોમાં આચરેલા 21 જેટલા વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે આરોપી પાસેથી વાહનોના લોક ખોલવા માટે વાપરવામાં આવતી 7 જેટલી ડુપ્લિકેટ ચાવીઓ પણ કબજે કરી છે.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મુનાવર શેખ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસની આગવી ઢબે પૂછપરછ કરતા જ તેને પોપટની જેમ ગુનાઓની કબૂલાત શરૂ કરી દીધી હતી. મુનાવરે સ્વીકાર્યું હતું કે તે વડોદરાના અલગ-અલગ વિસ્તારોમાંથી જ માત્ર 9 મોપેડ ચોરી ચૂક્યો છે. આ ઉપરાંત અન્ય શહેરોમાંથી પણ તેને વાહનોની ઉઠાંતરી કરી હતી.

મુનાવર વડોદરા અને આસપાસથી વાહનો ચોરીને અમદાવાદ ખાતે રહેતા ઇમરાન શેખ નામના શખ્સને મોકલી આપતો હતો. ઇમરાન શેખ પોતાના ગેરેજમાં આ ચોરીના વાહનો લાવીને તેનું કટિંગ કરી નાખતો હતો. ગાડીઓના સ્પેરપાર્ટ્સ છૂટા પાડીને ભંગારના ભાવે કે ઓરિજિનલ પાર્ટ્સ તરીકે બજારમાં વેચી મારવાનું વ્યવસ્થિત નેટવર્ક આ બંને ચલાવતા હતા, જેથી વાહન ક્યારેય પકડાય નહીં. હાલ પોલીસે મોપેડ ચોર મુનાવર અને ચોરીનો માલ રાખનાર અમદાવાદના ઇમરાન શેખ બંને સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.

(9:10 PM IST)