<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

નલિયા નહીં વડોદરા બન્‍યું સૌથી ઠંડુગારઃ શિયાળાની ધીમેધીમે જમાવટ

રાજ્‍યના ૯ શહેરોમાં પારો ૨૦ ડિગ્રીથી નીચે ગગડતા વહેલી સવારથી જ ગુલાબી ઠંડીનો ચમકારો

નવી દિલ્‍હી,તા.૧૪: ગુજરાતભરમાં ઋતુ પરિવર્તન સાથે હવે ઠંડીનો ચમકારો તેજ બન્‍યો છે. ઉત્તર-પૂર્વીય પવનોની અસરને કારણે રાજ્‍યના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને રાજ્‍યના કુલ ૯ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્‍સિયસથી નીચે નોંધાયું છે. વહેલી સવારે અને મોડી રાત્રે લોકો ગરમ વષોમાં સજ્જ જોવા મળી રહ્યા છે.

સામાન્‍ય રીતે કચ્‍છનું નલિયા રાજ્‍યનું સૌથી ઠંડું શહેર રહેતું હોય છે, પરંતુ આ વખતે વડોદરાએ નલિયાને પણ પાછળ છોડી દીધું છે. રાજ્‍યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન વડોદરામાં ૧૬.૫ ડિગ્રી નોંધાયું છે. ત્‍યારબાદ નલિયામાં ૧૭ ડિગ્રી તાપમાન નોંધાતા કચ્‍છ પંથકમાં ઠંડીનો ચમકારો વર્તાયો છે.

પ્રમુખ શહેરોમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાન

વડોદરાઃ ૧૬.૫ ડિગ્રી

નલિયાઃ ૧૭ ડિગ્રી

અમદાવાદઃ ૧૮.૪ ડિગ્રી

રાજકોટઃ ૧૯.૭ ડિગ્રી

અમરેલીઃ ૧૯.૭ ડિગ્રી

સુરતઃ ૧૯.૯ ડિગ્રી

ભાવનગરઃ ૨૦.૬ ડિગ્રી

અમદાવાદ શહેરમાં પણ પારો ગગડીને ૧૮.૪ ડિગ્રી પર પહોંચતા શહેરીજનોને ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટ અને અમરેલીમાં એકસરખું ૧૯.૭ ડિગ્રી, જ્‍યારે દક્ષિણ ગુજરાતના સુરતમાં ૧૯.૯ ડિગ્રી અને ભાવનગરમાં ૨૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, આગામી ૩ દિવસ દરમિયાન રાજ્‍યમાં લઘુત્તમ તાપમાન ૧૭ થી ૧૯ ડિગ્રીની આસપાસ રહેવાની શક્‍યતા છે, જેના કારણે વહેલી સવારે ઠંડીનું જોર યથાવત રહેશે.

કચ્‍છ જિલ્‍લામાં વહેલી સવારથી જ ધૂમસની ઘાટી ચાદર છવાઈ જતાં વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્‍યો હતો. ભુજ સહિત જિલ્‍લાના અનેક વિસ્‍તારોમાં સવારના સમયે ધૂમસભર્યું આહલાદક વાતાવરણ સર્જાતા કુદરતી સૌંદર્યનો અદ્વુત અનુભવ થયો હતો, જેને નિહાળવા માટે અનેક લોકો પોતાના ઘરની બહાર પણ નીકળી આવ્‍યા હતા. સવારની આ ગુલાબી ઠંડક અને ધૂમસના મનમોહક નજારાએ લોકોમાં ભારે કુતૂહલ અને ઉત્‍સાહ જગાવ્‍યો હતો.

બીજી બાજુ, ભુજ અને માધાપરના મુખ્‍ય માર્ગો પર ધૂમસની ગાઢ અસર વર્તાવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવો પડ્‍યો હતો. રસ્‍તાઓ પર વિઝિબિલિટી (લ્લશ્‍યતા) ઘટવાને કારણે ચાલકોએ પોતાની ગાડીઓની લાઈટો ચાલુ રાખવી પડી હતી અને સલામતી ખાતર વાહનોને ખૂબ જ ધીમી ગતિએ ચલાવવા મજબૂર બનવું પડ્‍યું હતું.

(10:08 AM IST)