News of Monday, 20th July 2026
સોનમ વાંગચુકના સમર્થનમાં ઉગ્ર દેખાવોઃ દેખાવકારોની અટકાયત
નીટ પેપરલીંક મામલે લો ગાર્ડન સામે લોકોનું પ્લેકાર્ડ-સુત્રોચ્ચાર સાથે પ્રદર્શન

અમદાવાદઃ શહેરના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી હેપ્પી સ્ટ્રીટ નજીક આજે NEET પેપર લીક વિવાદ અને લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂકના સમર્થનમાં કેટલાક દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. દેખાવો કરી રહેલા લોકોએ હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
મળતી માહિતી અનુસાર, દેખાવકારોએ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. આ દરમિયાન દેખાવકારોએ ‘‘ભાજપ હાય હાય''અને ‘‘ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે'' જેવાં તીવ્ર સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સ્થળ પર ACP અને DCP કક્ષાના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા ટોળાને વિખેરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી અને દેખાવકારોની અટકાયત કરી હતી. આ કાર્યવાહી દરમિયાન મહિલા પ્રદર્શનકારીઓની પણ ટીંગાટોળી કરીને પોલીસ વાહનોમાં અટકાયત કરવામાં આવી હતી. હાલમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર લો ગાર્ડન વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આજ રોજ સાંજે ૬ વાગ્યે એમ. જે. લાયબ્રેરીની બહાર પણ દેખાવો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે દેખાવકારોના આગેવાનો દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નથી.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
