News of Monday, 16th November 2026
વિરમગામ ટાઉન પોલીસની સફળ કાર્યવાહી, 5.50 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા
ડ્રગ્સનો જથ્થો આપનાર સિદ્ધપુરનો મુખ્ય આરોપી વિષ્ણુભાઈ જવાનજી ઠાકોર પોલીસ પકડથી ફરાર

અમદાવાદ ગ્રામ્યના વિરમગામ ટાઉન પોલીસ દ્વારા નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે લાલ આંખ કરીને એક મોટી સફળતા મેળવવામાં આવી છે. પોલીસે શહેરના કસ્ટમની ચાલી વિસ્તાર પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સના વેચાણની પેરવી કરી રહેલા અશોકભાઈ રતિલાલભાઈ (ગોરૈયા) ઠાકોર અને ડ્રગ્સ મંગાવનાર અંકિત પ્રવિણકુમાર જયસ્વાલ (રહે. વિરમગામ) નામના બે શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા છે. જોકે, આ ડ્રગ્સનો જથ્થો આપનાર સિદ્ધપુરનો મુખ્ય આરોપી વિષ્ણુભાઈ જવાનજી ઠાકોર પોલીસ પકડથી ફરાર થઈ ગયો છે.
પોલીસની આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી ₹16,500ની કિંમતનું 5.50 ગ્રામ નશાકારક મેફેડ્રોન (MD) ડ્રગ્સ, ₹10,000ની કિંમતના બે મોબાઈલ ફોન અને ₹40,000ની કિંમતની એક મોટરસાયકલ મળીને કુલ ₹66,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વિરમગામ ટાઉન પોલીસે પકડાયેલા બંને આરોપીઓ અને ફરાર સપ્લાયર સહિત કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટની કલમ 8(સી), 22(બી) અને 29 મુજબ ગુનો દાખલ કરીને ફરાર આરોપીને ઝડપી પાડવા તથા આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
