<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

સંવેદનશીલ જૂનીગઢી ગણપતિ વિસર્જન યાત્રા પર વડોદરા પોલીસની બાજ નજર: રૂટ પર લોખંડી સુરક્ષા કવચ ગોઠવાયું

નવલખી તળાવ સુધીના સમગ્ર માર્ગ પર JCP, DCP, CAPF અને SRPF સહીત ડ્રોન અને સીસીટીવીથી કરાશે નિરીક્ષણ

વડોદરા : વડોદરામાં ગણેશોત્સવના સાતમા દિવસે શહેરના અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાતી જૂનીગઢીના ગણપતિની વિસર્જન યાત્રાને અત્યંત શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન કરાવવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા વ્યાપક અને સઘન સુરક્ષા આયોજન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

જૂનીગઢી મિત્ર મંડળ દ્વારા ભક્તિભાવપૂર્વક આયોજિત આ વિશાળ યાત્રાના પ્રારંભિક સ્થળથી લઈને અંતિમ વિસર્જન સ્થળ એવા નવલખી કૃત્રિમ તળાવ સુધીના સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કોઈપણ અનિચ્છનીય બનાવને રોકી શકાય.

સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપતા પહેલાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર યાત્રા રૂટનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને મંડળના આયોજકો સાથે મહત્વની બેઠક યોજીને જરૂરી તમામ દિશાનિર્દેશો પણ આપ્યા હતા.

યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે આગળ-પાછળના ભાગમાં, ફ્લૅન્ક, ડી-પોઈન્ટ તેમજ વિવિધ ઊંચી ઇમારતો પર ધાબા પોઈન્ટ સહિતના વ્યૂહાત્મક સ્થળો પર પૂરતી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, તથા સંવેદનશીલ વિસ્તારોમાં અગાઉથી જ સેનિટાઈઝેશનની કામગીરી પૂર્ણ કરીને સ્થાનિક નાગરિકો સાથે સતત સંકલન સાધવામાં આવી રહ્યું છે.

(2:24 PM IST)