News of Tuesday, 15th September 2026
દેડિયાપાડાની ધામણ ખાડી ઉપરનો ચેકડેમ એક તરફ તૂટી જતા પાણીનો સંગ્રહ થવાને બદલે વેડફાટ થાય છે
દેડિયાપાડા તાલુકામાં ચેકડેમો બનાવીને કોન્ટ્રાક્ટરો છોડી દે છે માટે રીપેર-રીનોવેશનના અભાવે સરકારના કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં જતો હોવાનો આક્ષેપ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાની ધામણ ખાડી ઉપર આવેલો ચેકડેમ એક તરફથી તૂટી જતાં તાજેતરમાં પડેલા સારા વરસાદનું પાણી સંગ્રહ થવાને બદલે પાણીનો વેડફાટ થાય છે. ચેકડેમ તૂટેલી હાલતમાં હોવા છતાં તેનું રીપેરિંગ કે રીનોવેશન કરવામાં ન આવતાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સરકાર દ્વારા દેડિયાપાડા અને ચિકદા તાલુકામાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે, પશુઓ માટે પીવાનું પાણી ઉપલબ્ધ બને, ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે અને ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા હળવી બને તેવા હેતુથી અસંખ્ય ચેકડેમો બનાવવામાં આવ્યા છે. પરંતુ ચેકડેમો બનાવ્યા બાદ તેની યોગ્ય જાળવણી અને સમયસર મરામત કરવામાં આવતી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે દેડિયાપાડાની ધામણ ખાડી ઉપરનો ચેકડેમ તેની કામગીરીનું સચોટ ઉદાહરણ હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. વર્ષો વીતી ગયા હોવા છતાં ચેકડેમની તૂટેલી સાઈડનું રીપેરિંગ કરવામાં આવ્યું નથી. ચેકડેમના બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થયો હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. જેના કારણે ચેકડેમ જમણી બાજુથી તૂટી ગયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
તાજેતરમાં દેડિયાપાડા તાલુકામાં સારો વરસાદ થતાં ધામણ ખાડી બે કાંઠે વહેતી થઈ હતી. પરંતુ ચેકડેમ તૂટેલો હોવાથી પાણીનો યોગ્ય સંગ્રહ થઈ શક્યો નથી અને મોટા પ્રમાણમાં પાણી વહી ગયું છે. જો ચેકડેમનું સમયસર રીપેરિંગ કરવામાં આવ્યું હોત તો વરસાદી પાણીનો સંગ્રહ થઈ શક્યો હોત અને તેનો લાભ ખેડૂતો તથા પશુપાલકોને મળી શક્યો હોત.
ચેકડેમની હાલત જોતા આગામી શિયાળા અને ઉનાળામાં પાણીનો સંગ્રહ નહીં થાય અને ચેકડેમ માત્ર ‘શોભાના ગાંઠિયા’ સમાન બની રહે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
ચેકડેમો બનાવ્યા બાદ તેની ગુણવત્તા, મરામત અને જાળવણી અંગે જવાબદારી નક્કી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. કોન્ટ્રાક્ટરો દ્વારા ચેકડેમો બનાવી દીધા બાદ તેની સારસંભાળ લેવામાં આવે છે કે નહીં? સમયસર રીપેરિંગ અને રીનોવેશન કેમ કરવામાં આવતું નથી? તે અંગે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ છે.
દેડિયાપાડા, ચિકદા અને સાગબારા તાલુકામાં અનેક ચેકડેમો તથા પાણીલક્ષી યોજનાઓ બિસ્માર હાલતમાં હોવાનું સામે આવી રહ્યું છે. કેટલાક ચેકડેમો ભંગાર હાલતમાં પડ્યા છે અને તેની યોગ્ય જાળવણી થતી નથી. પાણીની સમસ્યા દૂર કરવા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ યોજનાઓની યોગ્ય જાળવણીના અભાવે આ નાણાંનો હેતુ સિદ્ધ થતો નથી. સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરી જવાબદારી નક્કી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
