News of Wednesday, 18th November 2026
સુરતમાં દરેક કોર્પોરેટરને રૂ.૨-૨ લાખ મળ્યાની ચર્ચા વચ્ચે વોટ્સએપ ચેટ વાયરલ
સુરત ભાજપમાં ૧૯ લાખના કથિત ‘તોડકાંડ'ની ચર્ચાથી ખળભળાટઃ વોર્ડ-૨૭ના વોટ્સએપ ગ્રુપમાં નેતાઓ વચ્ચે ઉગ્ર વિવાદ કોર્પોરેટર ભાઈદાસ પાટીલ અને વરિષ્ઠ કાર્યકર્તા મનીષ નાયક સામસામે આવ્યાઃ દરેક કોર્પોરેટરને ૨-૨ લાખ મળ્યાના આક્ષેપ સાથે ધારાસભ્યના નામે ૧૦ લાખ કોણ લઈ ગયું તે અંગે પણ સવાલો

સુરત,તા.૧૮: સુરત શહેર ભાજપમાં આંતરિક ખેંચતાણ અને જૂથવાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વોર્ડ નંબર ૨૭ના ભાજપના ચૂંટણીલક્ષી વોટ્સએપ ગ્રુપમાં મોડી રાત્રે થયેલી ઉગ્ર ચેટિગને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. વોર્ડના કોર્પોરેટર ભાઈદાસ પાટીલ અને ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા મનીષ નાયક વચ્ચે થયેલી આ ચેટિગમાં કૈલાસ બંગ્લોઝ ખાતે ૧૯ લાખ રૂપિયાના કથિત સેટલમેન્ટનો મુદ્દો ઉછળ્યો હતો. એટલું જ નહીં, દરેક કોર્પોરેટરને ૨-૨ લાખ રૂપિયા મળ્યા હોવાની ચર્ચા અને ધારાસભ્યના નામે ૧૦ લાખ રૂપિયા કોણ લઈ ગયું તેવા સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા.
મળતી વિગતો મુજબ, વોર્ડ નંબર ૨૭ના ભાજપના વોટ્સએપ ગ્રુપમાં મનીષ નાયકે કથિત ૧૯ લાખ રૂપિયાના સેટલમેન્ટ અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દરેક કોર્પોરેટરને ૨-૨ લાખ રૂપિયા મળ્યા હોવાની ચર્ચાનો ઉલ્લેખ કરીને કયા કોર્પોરેટરને રૂપિયા મળ્યા છે અને કોણ બાકી રહી ગયું છે તેની તપાસ કરવાની માગ કરી હતી. આ ઉપરાંત ધારાસભ્યના નામે ૧૦ લાખ રૂપિયા કોણ લઈ ગયું તેની પણ તપાસ થવી જોઈએ તેવો મુદ્દો તેમણે ગ્રુપમાં રજૂ કર્યો હતો.
આ સવાલોના જવાબમાં કોર્પોરેટર ભાઈદાસ પાટીલે પણ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે ગ્રુપમાં પડકાર ફેંકતા જણાવ્યું હતું કે હિમત હોય તો કૈલાસ બંગ્લોઝ ખાતે તપાસ કરો, ત્યાંથી જ જવાબ મળી જશે. સાથે જ યોગેશ દેસાઈને લિબાયત ઝોનમાં જઈને પૂછવા માટે પણ તેમણે પડકાર આપ્યો હતો. આમ, વોટ્સએપ ગ્રુપમાં જ ભાજપના સ્થાનિક આગેવાનો વચ્ચે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો હતો.
આ વિવાદ દરમિયાન દાંડી ઐતિહાસિક માર્ગ પર મટનના વેચાણ માટે હપ્તા લેવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ પણ ચર્ચામાં આવ્યો હતો. મનીષ નાયકે એવો દાવો કર્યો હતો કે ફાયર સ્ટેશન પાસે યોજાયેલા એક ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ભાઈદાસ પાટીલે પોતે જ કથિત કૌભાંડ અંગે વાત કરી હતી. આથી હવે વોર્ડના રાજકીય વિવાદમાં માત્ર ૧૯ લાખના સેટલમેન્ટનો મુદ્દો જ નહીં, પરંતુ અન્ય આક્ષેપો પણ જોડાતા મામલો વધુ ગરમાયો છે.
સમગ્ર મામલે મનીષ નાયકે વોટ્સએપ પર થયેલી ચેટિગની પુષ્ટિ કરી છે. તેમણે પોતાની પાસે આક્ષેપોને લગતા પુરાવા હોવાનો પણ દાવો કર્યો છે. બીજી તરફ, કોર્પોરેટર ભાઈદાસ પાટીલે પોતાના મોબાઈલમાંથી આ પ્રકારના મેસેજ ગયા જ ન હોવાનું જણાવી આ સમગ્ર મામલે અજાણતા દર્શાવી છે.
ભાજપના આંતરિક ચૂંટણીલક્ષી ગ્રુપમાં જ આટલા ગંભીર આક્ષેપો સામે આવતા સ્થાનિક રાજકારણમાં અનેક સવાલો ઊભા થયા છે. ૧૯ લાખ રૂપિયાના કથિત સેટલમેન્ટ, કોર્પોરેટરોને ૨-૨ લાખ રૂપિયા મળ્યાની ચર્ચા અને ધારાસભ્યના નામે ૧૦ લાખ રૂપિયા કોણ લઈ ગયું તેવા સવાલો હવે રાજકીય ચર્ચાનો વિષય બન્યા છે.
જોકે, આ તમામ આક્ષેપોની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને ન તો કોઈ નાણાકીય ગેરરીતિ સાબિત થઈ છે. હવે પ્રદેશ ભાજપ આ સમગ્ર મામલે તપાસ કરાવશે કે પછી પક્ષના આંતરિક વિવાદ તરીકે મામલે મૌન જાળવશે, તેના પર સૌની નજર મંડાયેલી છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
