News of Wednesday, 1st July 2026
ગુજરાતના ખેડૂતો કેન્દ્રની પાક વીમા યોજનાથી વંચિત કેમ? સરકાર જવાબ આપે અને માફી માંગેઃ શક્તિસિંહ ગોહિલ
કેન્દ્રીય કૃષિ મંત્રીના પત્રથી ભાજપ સરકારનો ભાંડો ફૂટ્યોઃ દેશભરના ખેડૂતોને લાભ, તો ગુજરાતના જગતના તાત સાથે આવો અન્યાય કેમ? કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો આક્રોશ

અમદાવાદઃ સમગ્ર દેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY)નો મોટો લાભ મળી રહ્યો છે, ત્યારે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ભાજપ સરકારે આ યોજના અમલમાં મૂકી નથી. ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ કરવાનું આ એક મોટું કાવતરું છે, તેવો સનસનાટીભર્યો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે કર્યો છે.
શક્તિસિંહ ગોહિલે સંસદમાં ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે લેખિતમાં સ્વીકાર્યું છે કે ગુજરાત સરકારે કેન્દ્રની વારંવારની વિનંતી છતાં આ યોજના સ્વીકારી નથી. આ અંગેના પુરાવા રૂપે કેન્દ્રીય કૃષિ મંત્રીના પત્રની નકલો પણ મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલે પ્રેસ મીડિયાને પુરાવા આપતાં જણાવ્યું કે, ભાજપની જ કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રીને ગત તા. ૨૫/૧૧/૨૫ના રોજ એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં સ્પષ્ટ જણાવાયું હતું કે પાક વીમા યોજનાથી ખેડૂતોને ખૂબ જ મોટો લાભ મળે છે, માટે ગુજરાતમાં પણ આ યોજના તાત્કાલિક શરૂ કરવામાં આવે. છતાં ગુજરાતની ભાજપ સરકારે ખેડૂતોના હિતને નેવે મૂકીને આ યોજના લાગુ કરી નથી. ગયા વર્ષે ગુજરાતમાં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આ અંગે જ્યારે શક્તિસિહ ગોહિલે સંસદમાં અવાજ ઉઠાવ્યો, ત્યારે કેન્દ્ર સરકારે લેખિત જવાબ આપીને જણાવ્યું કે સમગ્ર દેશ પાક વીમાનો લાભ લઈ રહ્યો છે, પરંતુ ગુજરાત સરકારે અમારી વિનંતી છતાં આ યોજના સ્વીકારી નથી.
આ ગંભીર મુદ્દે કોંગ્રેસ પક્ષે સરકાર સામે આકરા સવાલો ઉઠાવીને ચાર મુખ્ય માંગણીઓ કરી છે. કોંગ્રેસે માંગ કરી છે કે કેન્દ્રની વિનંતી છતાં ગુજરાત સરકારે ખેડૂતોને પાક વીમા યોજનાથી કેમ વંચિત રાખ્યા તેનો જવાબ આપે અને ખેડૂતોની માફી માંગે, તેમજ ગત વર્ષે ખેડૂતોને થયેલા નુકસાનનું જે મર્યાદિત વળતર આપ્યું છે તેના બદલે હવે પૂરું વળતર ચૂકવવામાં આવે. આ ઉપરાંત, ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો છે અને અલનીનોની અસરના કારણે ખેડૂતોને મોટું નુકસાન જવાની શક્યતા છે ત્યારે કેન્દ્રની પાક વીમા યોજના (PMFBY) તાત્કાલિક ગુજરાતમાં લાગુ કરવામાં આવે. દેશના તમામ રાજ્યોએ આ યોજના નીચે ખેડૂતોને અઢળક લાભ આપ્યો છે ત્યારે ગુજરાતના ખેડૂતો ૨૦૧૯-૨૦થી આ લાભથી શા માટે વંચિત રહ્યા અને આ આર્થિક પાયમાલી માટે કોણ જવાબદાર છે તેનો ખુલાસો સરકાર કરે.
અંતમાં શક્તિસિંહે સવાલ કર્યો હતો કે, કેન્દ્રીય કૃષિ મંત્રીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં યોજનાના અનેક લાભો દર્શાવ્યા હોવા છતાં ગુજરાત સરકારે આ યોજના કેમ લાગુ ન કરી? શું કેન્દ્રીય મંત્રી અથવા કેન્દ્ર સરકાર જૂઠી છે? આ અંગે રાજ્ય સરકાર તાત્કાલિક પોતાની સ્થિતિ સ્પષ્ટ કરે તેવી કોંગ્રેસે ઉગ્ર માંગ કરી છે.(તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
