<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

વલસાડના છરવાડામાં પ્રેમસંબંધનો અંત આવતાં પ્રેમીનો મહિલા પર કુહાડી વડે જીવલેણ હુમલો

રોજીરોટી કમાવવા આવેલી મહિલાએ લગ્નેતર સંબંધ તોડી નાખતાં ઉશ્કેરાયેલા શખ્સનું લોહિયાળ કારનામું

વલસાડ : વલસાડ જિલ્લાના છરવાડા ગામમાં પ્રેમસંબંધને લઈને એક અત્યંત ચોંકાવનારી અને લોહિયાળ ઘટના સામે આવી છે. લગ્નેતર સંબંધનો અંત લાવવાનો નિર્ણય કરનાર પ્રેમીકા પર તેના જ પ્રેમીએ ઉશ્કેરાઈને કુહાડી વડે જીવલેણ હુમલો કરી દેતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. આ ઘટનાને પગલે ડુંગરી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને હુમલાખોર પ્રેમીની ધરપકડ કરી લીધી છે.

ઘટનાની વિગતો અનુસાર, ભોગ બનનાર મહિલા સુનિતા મૂળ ધરમપુરની રહેવાસી છે અને તે દર વર્ષે રોજીરોટી કમાવવા માટે છરવાડા ગામે આવતી હતી. આ દરમિયાન છરવાડાના સ્થાનિક નિવાસી રાજેશ પટેલ સાથે તેનો પરિચય થયો હતો અને સમય જતાં બંને વચ્ચે લગ્નેતર પ્રેમસંબંધ બંધાયો હતો. બંને વચ્ચે આ અફેર લાંબા સમયથી ચાલી રહ્યું હતું.

આ લગ્નેતર સંબંધ અંગે મહિલાના પરિવારજનોને જાણ થઈ જતાં સુનિતાએ વિવેકબુદ્ધિ વાપરીને રાજેશ પટેલ સાથેના તમામ સંબંધો પૂરા કરી નાખ્યા હતા. આ બાબતથી અત્યંત ક્રોધિત અને ઉશ્કેરાયેલા રાજેશે સુનિતા પર કુહાડીના તીક્ષ્ણ ઘા ઝીંકી દઈ તેને ગંભીર રીતે ઘાયલ કરી દીધી હતી.

ઘટના બાદ સ્થાનિકો અને પોલીસની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ડુંગરી પોલીસે ગુનો નોંધી આરોપી રાજેશ પટેલની અટકાયત કરી લીધી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે આગળની કાયદાકીય તપાસ ચાલી રહી છે, જ્યારે ગંભીર રીતે ઘવાયેલી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

(1:00 AM IST)