News of Friday, 24th April 2026
દુનિયાને આજે ‘‘અણુબોમ્બ''ની નહીં ‘‘અણુવ્રત''ની જરૂરઃ પૂ. મોરારીબાપુ
પાલીતાણામાં ‘‘માનસ શિવ સંકલ્પ'' શ્રીરામ કથામાં શ્રોતાજનો ઉમટયાઃ ભોજન, ભજનનો સંગમ

રાજકોટ તા. ર૪: આદિનાથ અને અનાદિ શંકરની ભૂમિ તથા ભિન્ન-ભિન્ન ધારાઓની પ્રગટ-અપ્રગટ ચેતનાઓના વાયુ મંડળમાં યુવાકિત થઇ રહેલી રામકથા ‘‘માનસ શિવ-સંકલ્પ''ના છઠ્ઠા દિવસે-ગઇકાલે-કથાનો પ્રેમ સંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે, સનાતન ધર્મનું સપ્તક છે. આ સાત તત્વો સનાતની છે. (૧) બ્રહ્મ (ર) પરમ પુરૂષ પરમાત્મા (૩) જીવન (૪) ધર્મ (પ) સ્વભાવ (૬) સત્ય અને જીવન સંગીત અધ્યાત્મ સંગીતનો ‘સા' એટલે સાધુ બ્રહ્મ સનાતન છે. પુરૂષ એટલે કે પરમ પુરૂષ (સ્ત્રી-પુરૂષના સંદર્ભમાં નહિ) પરમાત્મા પણ સનાતન પુરૂષ છે. આપણે સૌ પુરાતન થશું પણ પરમ પુરૂષ સનાતન છે. જીવ પણ સનાતન છે. ધર્મ તો સનાતન છે જ. આપણો સ્વભાવ પણ સનાતન છે જે જન્મોજન્મ આપણી સાથે જ પ્રગટે છે એટલે સ્વભાવને પણ શાસ્ત્રોએ સનાતન કહ્યો છે. સત્ય તો સનાતન છે જ. આપણે કહીએ છીએ ને કે સનાતન સત્ય છે અને સનાતન રૂપી સંગીતનો સપ્તક ‘સા' એટલે સાધુ. સાધુ સનાતન છે. કોઇએ પૂછયું છે કે, બાપુ, ગઇકાલે વાત થવી હતી કે સાધુ તો ઇશ્વરના પણ આંસૂ લૂ છે તો સાધુના આંસુ કોણ લૂ છે? જવાબઃ સાધુ આંસુ પી જાય છે. એના આંસુડા લૂછવાની જરૂર નથી! એને કોઇ રૂમાલની જરૂર નથી. સાચો સાધુ આંસુડા પી જાય છે એની કોઇને ખબર પણ નથી પડતી.
પૂ. મોરારીબાપુએ કહ્યું કે, દુનિયાને આજે ‘‘અણુબોમ્બ''ની નહીં, અણુવ્રતની જરૂર છે. ઓમ થી રામ સનાતન નામ છે, સનાતન ધર્મની ધરતી ધીરજ-(ધૈર્ય) છે અને સનાતન ધર્મની હવા હનુમાન છે. એક પ્રશ્ન હતો કે બાપુ, તમે પાંચ દિવસથી સંકલ્પ, પ્રણ, વચન, પ્રતિજ્ઞા વગેરે વિશે કહો છો તો ટૂંકમાં અમારે કરવું શું? એ કહોને તો અમને ખબર પડે! જવાબઃ બાપ, મારા ગામડાના ભાઇઓ-બહેનો, સનાતન માટે આ ચાર વસ્તુ યાદ રાખજો. (૧) શાંત-શાંતિ (ર) વિચાર (૩) સંતોષ અને (૪) કોઇ સાધુનો સંગ. વિશેષ કશું કરવાની જરૂર નથી. પણ આ ચાર વસ્તુ પકડી લો એટલે બેડો પાર...પણ કઠીન છે. શાંત થવું, શાંત રહેવું, શાંતિ રાખવી અઘરી છે. આપણે કેટકેટલા વિચારોથી ભરેલા છીએ. વિચાર-વિચાર-વિચાર...બૌ વિચારો ન કરવા, સાત્વિક વિચારનો સ્વીકાર છે અને સંતોષ ખૂબ જરૂરી છે. આપણને સંતોષ કયાં છે? અને છેલ્લે કોઇપણ સાધુનો સંગત અતી આવશ્યક છે. આ ચાર વાત યાદ રાખજો. (મનોજ જોષી ‘‘મજો'' રાજકોટ મો. ૯૪ર૬ર ૪ર૧૧પ, મો. ૮૧૪૦ર ૧૩૧૩૦
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
