News of Tuesday, 15th September 2026
વાહ રે કુદરત! કચ્છની કોરી ધરતી પર નદીઓ વહેતી થઇ : કલાકોમાં ચિત્ર બદલાઇ ગયું
નહીવત વરસાદ બાદ ઉભી થયેલી સ્થિતિના લીધે પશુપાલકોએ હિજરત શરૂ કરી હતી લાંબા સમય બાદ સારો વરસાદ થતાં ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

અમદાવાદ, તા.૧૫: કચ્છના માંડવી શહેરમાં માત્ર ૨ કલાકમાં ૫ ઇંચ ધોધમાર વરસાદ ખાબકતાં ચારેય તરફ પાણી જ પાણી થઈ ગયું છે. ભારે વરસાદના પગલે શહેરની મુખ્ય શેરીઓ અને નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે. નવાપુરા વિસ્તારમાં પાણીનું સ્તર એટલું વધી ગયું કે રસ્તા પર પાર્ક કરેલી ગાડીઓ પણ ડૂબી ગઈ છે. શેરીઓમાં નદી જેવાં દ્રશ્યો સર્જાતાં સ્થાનિક લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જવાની ભીતિ સેવાઈ રહી છે. ભારે વરસાદથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને વાહન વ્યવહાર ખોરવાયો છે. ઉલ્લેખનીય છે કે, કાલે ૧૫ તારીખ સુધીમાં લગભગ ૬૩ ટકા વરસાદની ઘટ હતી, જ્યારે કાલે પડેલા ધોધમાર વરસાદ બાદ હવે વરસાદની ઘટ ૩૯ ટકા છે.
આજે સવારે ૬થી ૧૦ કલાક સુધીમાં કચ્છના માંડવીમાં ૬.૨૨ ઇંચ, મુંદ્રામાં ૧.૨૨ ઇંચ, ભુજમાં ૧.૧૮ ઇંચ, અબડાસામાં ૦.૭૧ ઇંચ, લખતરમાં ૦.૬૭ ઇંચ, ગાંધીધામમાં ૦.૬૩ ઇંચ, નખત્રાણામાં ૦.૫૯ ઇંચ, અંજારમાં ૦.૫૫ ઇંચ વરસાદ પડ્યો છે.
કચ્છ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને માંડવી, અંજાર, ગાંધીધામ અને ભુજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. માંડવીના આઝાદ ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
નોંધનીય છે કે, ચોમાસાની સિઝન દરમિયાન કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો. નહીવત વરસાદ બાદ ઉભી થયેલી સ્થિતિના લીધે પશુપાલકોએ હિજરત શરૂ કરી હતી, તેવા અહેવાલો પણ સામે આવી ચૂકયાં હતાં. આવામાં કચ્છમાં પડેલો વરસાદ ખેડૂતો અને પશુપાલકો માટે કેટલી ખુશી લઇને આવ્યું છે તે સમજી શકાય છે.
કચ્છમાં વરસેલા વરસાદને પગલે નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે. ગાંધીધામના ગળપાદર નજીક નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. વરસાદ બાદ નદીમાં પાણીની આવક વધતાં અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું છે. લાંબા સમય બાદ સારો વરસાદ થતાં ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
