News of Tuesday, 20th October 2026
અરબ સાગરમાં સક્રિય થયેલી હવામાન પ્રણાલીને કારણે ગુજરાતના દરિયાકાંઠે યલો એલર્ટ જારી: તંત્ર એલર્ટ મોડ પર, જોકે રાજ્યમાં સિસ્ટમની કોઈ મોટી સીધી અસર નહીં થાય
હવામાન વિભાગની ચેતવણી અનુસાર અમરેલી, દ્વારકા, સોમનાથ, કચ્છ અને વલસાડ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૨૧ ઓક્ટોબર સુધી ઓછી ઊંચાઈવાળા મોજા ઉછળવાની શક્યતા; તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં.

અમદાવાદ, તા.20: અરબ સાગરમાં સર્જાયેલી એક નવી હવામાન પ્રણાલીને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં હલચલ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ ગઇકાલે વેલ માર્ક્ડ લો-પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે. જોકે રાહતની વાત એ છે કે આ સિસ્ટમની સીધી અસર ગુજરાત કે તેની આસપાસના દરિયાકાંઠાના વિસ્તારો પર ખાસ વર્તાય તેવી કોઈ શક્યતા નથી, તેમ છતાં તેના પરોક્ષ પ્રભાવના કારણે દરિયામાં મોજા ઉછળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને આગામી સમયમાં સોમાલિયાના દરિયાકાંઠા તરફ પ્રયાણ કરશે. આ સિસ્ટમના કારણે ગુજરાતના દરિયાકાંઠાના પટ્ટા પર 'સ્વેલ સર્જ' (Swell Surge) ની ચેતાવણી આપવામાં આવી છે. આગામી ૨૧ ઓક્ટોબર સુધી અમરેલી, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, નવસારી, પોરબંદર, સુરત અને વલસાડ જિલ્લાના દરિયાકાંઠે ૦.૧ થી ૦.૯ મીટર સુધીની ઓછી ઊંચાઈવાળા મોજા ઉછળી શકે છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે યલો એલર્ટ જારી કરાયું છે.
બીજી તરફ, રાજ્યના અન્ય ભાગોમાં હવામાનની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. ગઇકાલે રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાન ઊંચું રહેવાને કારણે બપોરના સમયે ગરમીનો અનુભવ થયો હતો, જ્યારે રાત્રિના સુમારે હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન ૩૫ થી ૪૦ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જ્યારે લઘુત્તમ તાપમાન ૨૦ થી ૨૫ ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવાસીઓ અને માછીમારોને સાવચેતી રાખવા તેમજ દરિયાથી દૂર રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
