News of Saturday, 24th October 2026
મહેસાણાના વિસતપુરામાં નજીવી બોલાચાલી બાદ યુવક પર જીવલેણ હુમલો: સારવાર દરમિયાન મોત થતા કેસ હત્યામાં પલટાયો
માથું રિક્ષા સાથે ભટકાવવાથી થયો હતો બ્રેઈન હેમરેજ: કડી પોલીસે હત્યાની કલમ ઉમેરી મુખ્ય આરોપી મયુરકુમાર પટેલની કરી ધરપકડ

કડી : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વિસતપુરા ગામમાં પાંચ દિવસ અગાઉ નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક નિર્દોષ યુવકનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. ગામના જ એક શખ્સ દ્વારા યુવક પર આડેધડ હુમલો કરીને તેનું માથું રિક્ષા સાથે અથડાવવામાં આવતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે બાદ બ્રેઈન હેમરેજ થવાથી યુવકે હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હતો. આ ગંભીર ઘટનાને પગલે સ્થાનિક પોલીસે અગાઉ નોંધાયેલા ગુનામાં હત્યાની કલમોનો ઉમેરો કરીને મુખ્ય આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૧૯ ઓક્ટોબરના રોજ વિસતપુરા ગામમાં રહેતા ઈશ્વરજી ઠાકોર સાથે ગામના જ મયુરકુમાર પટેલને ગાળો બોલવા બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય તકરારે ટૂંક સમયમાં જ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું, જેનાથી ઉશ્કેરાયેલા મયુરકુમારે ઈશ્વરજીના મોંઢા પર આડેધડ મુક્કાઓી મારવાનું શરૂ કરી દીધું હતું. હુમલો આટલેથી જ ન અટકતા તેણે ઈશ્વરજીનું માથું બળજબરીપૂર્વક પકડીને નજીકમાં ઊભેલી રિક્ષા સાથે જોરદાર રીતે ભટકાવ્યું હતું, જેના કારણે યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હુમલાખોર ધમકી આપી નાસી છૂટ્યો હતો.
ઘટના બાદ શરૂઆતમાં સામાન્ય દુખાવો હોવા છતાં, સમય જતાં ઈશ્વરજીની તબિયત વધુ બગડવા લાગી હતી અને તેમના ચહેરા પર ભારે સોજો દેખાયો હતો. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સ્થિતિ અત્યંત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ત્યાં તબીબો દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં યુવકને માથાના ભાગે થયેલી ગંભીર ઈજાના કારણે 'બ્રેઈન હેમરેજ' થયાનું નિદાન થયું હતું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં વેન્ટિલેટર પર જિંદગી અને મોત વચ્ચેના જંગ વચ્ચે છેલ્લા બે દિવસથી સારવાર લઈ રહેલા ઈશ્વરજી ઠાકોરે આખરે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. યુવકનું મૃત્યુ થતાં જ આ સમગ્ર મામલો સામાન્ય મારપીટ અને ઝઘડામાંથી સીધો હત્યાના ગંભીર ગુનામાં પલટાઈ ગયો હતો. પરિવારજનો અને ગ્રામજનોમાં આ અચાનક બનેલી દુર્ઘટનાને કારણે ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે. મૃતક યુવકના પરિવારની ફરિયાદ અને તબીબી અહેવાલના આધારે પોલીસ દ્વારા અગાઉના ગુનામાં ભારતીય ન્યાય સંહિતાની હત્યા સંબંધી કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસે નાસતા ફરતા મુખ્ય આરોપી મયુરકુમાર પટેલને ઝડપી પાડીને તેની કાયદેસરની ધરપકડ કરી લીધી છે.
હાલમાં પોલીસે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે અને આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરી છે. નજીવી બોલાચાલી જેવી બાબતમાં કોઈનો જીવ ચાલ્યો જવાની આ ઘટનાએ સમગ્ર પંથકમાં કાયદો અને વ્યવસ્થા તેમજ માનવીય સંવેદનાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, ત્યારે કસૂરવાર સામે કડકમાં કડક સજા થાય તેવી લોક માંગ ઉઠી રહી છે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
