તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Monday, 16th November 2026
યુવા મોરચાના કાર્યકરો પક્ષના વિચારો અને સરકારની જનહિતલક્ષી કામગીરીને યુવાનો સુધી પહોંચાડવા માટે સક્રિયતાથી કાર્ય કરવું જોઈએ: પ્રભારી તરુણ ચુગજી
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રભારી તરુણ ચુગજી, સંગઠન મહામંત્રી રત્નાકરજી, યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. નરેશભાઈ દેસાઈ તથા પ્રભારી કિરીટભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કમલમ ખાતે પ્રદેશ યુવા મોરચાના હોદ્દેદારોની અગત્યની બેઠક યોજાઈ

ગાંધીનગર :ગુજરાત પ્રદેશના મુખ્ય કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે પ્રદેશ યુવા મોરચાના હોદ્દેદારોની અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંગઠનાત્મક દૃષ્ટિએ યુવા મોરચાની કામગીરીને વધુ વેગવાન બનાવવા, આગામી સમયમાં હાથ ધરાનારા વિવિધ કાર્યક્રમોના આયોજન અને અમલીકરણ તેમજ યુવાનોને સંગઠનની વિચારધારા અને પ્રવૃત્તિઓ સાથે વધુ સક્રિય રીતે જોડવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચુગજી, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. નરેશભાઈ દેસાઈ તથા યુવા મોરચાના પ્રભારી કિરીટભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ યુવા મોરચાના હોદ્દેદારોને સંગઠનના ધ્યેય, દિશા અને જવાબદારીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન તેની કાર્યપદ્ધતિ, શિસ્ત અને કાર્યકર્તાઓના સમર્પણના પાયા પર સતત મજબૂત બની રહ્યું છે. યુવા મોરચો સંગઠનની ઊર્જા અને ભવિષ્ય છે. યુવાનોએ પક્ષની વિચારધારાને આત્મસાત કરીને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચવાનું કાર્ય કરવું જોઈએ. સંગઠન દ્વારા સોંપવામાં આવેલી દરેક જવાબદારીને નિષ્ઠા અને પ્રતિબદ્ધતા સાથે નિભાવી યુવાનો સંગઠનની શક્તિમાં વધારો કરે તે જરૂરી છે.
ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચુગજીએ જણાવ્યું હતું કે, યુવાનોમાં અપાર શક્તિ, સામર્થ્ય અને પરિવર્તન લાવવાની ક્ષમતા રહેલી છે. આ શક્તિને યોગ્ય દિશા અને સંગઠનાત્મક શિસ્ત સાથે જોડવામાં આવે તો સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે. યુવા મોરચાના કાર્યકરોએ પક્ષના વિચારો અને સરકારની જનહિતલક્ષી કામગીરીને યુવાનો સુધી પહોંચાડવા માટે સતત જનસંપર્ક અને સક્રિયતાના માધ્યમથી કાર્ય કરવું જોઈએ.
પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ જણાવ્યું હતું કે, સંગઠનની સાચી તાકાત તેના સમર્પિત અને સક્રિય કાર્યકર્તાઓ છે. સંગઠનાત્મક કાર્યમાં આયોજન, શિસ્ત, સંકલન અને સતત સંપર્કનું વિશેષ મહત્વ છે. યુવા મોરચાના દરેક હોદ્દેદારે પોતાની જવાબદારીને સમજીને ટીમભાવનાથી કાર્ય કરવું જોઈએ. સંગઠનના કાર્યક્રમો માત્ર આયોજન પૂરતા સીમિત ન રહે, પરંતુ તેનો લાભ અને સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે દિશામાં સૌએ કાર્યરત રહેવું જોઈએ.
પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. નરેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ યુવા મોરચો યુવાનોની શક્તિ, ઉત્સાહ અને સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતાના આધારે સતત નવી ઊંચાઈઓ સર કરવા કટિબદ્ધ છે. આગામી સમયમાં યુવા મોરચા દ્વારા હાથ ધરવામાં આવનારા સંગઠનાત્મક અને સેવાકીય કાર્યક્રમોમાં દરેક હોદ્દેદારની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે. યુવાનોને સંગઠન સાથે જોડવા, તેમની ક્ષમતાને યોગ્ય દિશા આપવા અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં યુવા મોરચો અગ્રેસર રહેશે.
બેઠક દરમિયાન યુવા મોરચા દ્વારા કરવામાં આવતી સંગઠનાત્મક પ્રવૃત્તિઓ, વિવિધ સ્તરે સંગઠનની રચનાત્મક કામગીરી, આગામી કાર્યક્રમોની રૂપરેખા તથા તેની સુવ્યવસ્થિત અમલવારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ સમાજના વિવિધ વર્ગો અને ખાસ કરીને યુવા પેઢી સુધી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, નીતિઓ અને જનહિતલક્ષી કાર્યોને અસરકારક રીતે પહોંચાડવા માટે યુવા મોરચાના કાર્યકર્તાઓએ સક્રિય ભૂમિકા ભજવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
યુવા મોરચાના કાર્યકર્તાઓ માત્ર સંગઠનના કાર્યક્રમો પૂરતા સીમિત ન રહેતાં સમાજના વિવિધ પ્રશ્નો, જનહિતના વિષયો અને સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહે તે માટે પ્રેરણા આપવામાં આવી હતી. સંગઠનના દરેક કાર્યક્રમને જનભાગીદારી સાથે સફળ બનાવવાની સાથે યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, સામાજિક જવાબદારી અને સેવાભાવના મૂલ્યોનું સંવર્ધન કરવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
યુવા શક્તિને સંગઠનની તાકાત બનાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં રાષ્ટ્રનિર્માણ, જનસેવા અને સંગઠનના વિસ્તરણ માટે વધુ ઉત્સાહ, સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં પ્રદેશ યુવા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
