<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

સાપે એવી ખતરનાક જગ્‍યાએ ડંખ માર્યો કે આપવા પડયાં ૫૪ ઇન્‍જેક્‍શનઃ હોસ્‍પિટલનું બિલ ૧૧ કરોડ

સાપના ઝેરના કારણે ક્રિસના શરીરમાં બ્‍લડ ક્‍લોટિંગ સિસ્‍ટમ (લોહી જામવાની પ્રક્રિયા) સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી

કેલિફોર્નિયા તા.૧૮: એક વ્‍યક્‍તિ પોતાના ઘરના બેકયાર્ડમાં ફરી રહ્યો હતો, જ્‍યાં તેને એક રેટલસ્‍નેકે એવી ખતરનાક જગ્‍યાએ ડંખ માર્યો કે ઝેર સીધું નસ દ્વારા તેના લોહીમાં ભળી ગયું. થોડી સેકન્‍ડમાં તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેને જોઈને ડોક્‍ટર પણ ધ્રૂજી ગયા. આ શખ્‍સને બચાવવા માટે ૫૪ ઇન્‍જેક્‍શન મારવા પડ્‍યાં. જ્‍યારે સારવાર પૂરી થઈ અને હોસ્‍પિટલનું બિલ હાથમાં આવ્‍યું તો પરિવારના હોંશ ઉડી ગયા. તેની સારવારમાં આશરે ૧૧ કરોડ રૂપિયાનો ખર્ચો થયો.

આ ઘટના ઇડાહોના રહેવાસી ક્રિસ હોવર્થ સાથે ઘટી છે. ક્રિસ ઉત્તર કેલિફોર્નિયાના ઓરોવિલેમાં પોતાના માતા-પિતા સાથે ફરવા આવ્‍યો હતો. મે મહિનામાં તે પોતાના ઘરના પાછળના ભાગે એટલે કે બેકયાર્ડમાં પાણીની પાઇપ ચેક કરવા માટે ગયો હતો. આ દરમિયાન તેને એક સાપે ડંખ માર્યો હતો. ડોક્‍ટર અનુસાર આ ઘટનામાં રેટલસ્‍નેકે તેને બે વાર ડંખ માર્યો હતો અને તેનાથી પણ ભયંકર વાત એ હતી કે સાપનો એક દાંત સીધો ક્રિસના પગની નસમાં અંદર સુધી ઘૂસી ગયો હતો. થોડી જ વારમાં ઝેર સીધું જ નસ દ્વારા આખા લોહીમાં ફેલાઈ ગયું.

થોડી જ મિનિટોમાં ક્રિસની હાલત ગંભીર થવા લાગી. તેના શરીરમાં ભયંકર સોજો આવવા લાગ્‍યો. તેની જીભ સંપૂર્ણ રીતે સુન્ન થઈ ગઈ હતી અને તેને શ્વાસ લેવામાં ખૂબ જ મુશ્‍કેલી થવા લાગી. જ્‍યારે તેને હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો તો ડોક્‍ટરોને જાણવા મળ્‍યું કે ક્રિસને ડિસેમિનેટેડ ઇન્‍ટ્રાવાસ્‍કુલર કોગુલેશન (DIC) નામની એક ખતરનાક અને દુર્લભ બિમારી થઈ ગઈ છે.

સાપના ઝેરના કારણે ક્રિસના શરીરમાં બ્‍લડ ક્‍લોટિગ સિસ્‍ટમ (લોહી જામવાની પ્રક્રિયા) સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. તેના કારણે શરીરના અંદરના ભાગોમાં મોટા પ્રમાણમાં રક્‍તસ્રાવ થવા લાગ્‍યો હતો, જ્‍યારે કેટલીક જગ્‍યાએ લોહીના ગાંઠા પણ બનવા લાગ્‍યા હતા. આવી સ્‍થિતિ જીવલેણ સાબિત થઈ શકે છે. ક્રિસના શરીરમાં ઝેરનું પ્રમાણ સતત વધી રહ્યું હતું, જેના કારણે ડોક્‍ટરો પણ ચિતામાં મુકાઈ ગયા હતા.

ઓરોવિલ હોસ્‍પિટલના ડોક્‍ટરોએ ઝેરની અસર ઘટાડવા માટે એક પછી એક ૩૬ એન્‍ટિવેનમના ઇન્‍જેક્‍શન (વાયલ્‍સ) આપ્‍યા, છતાં પણ ઝેર કાબૂમાં આવ્‍યું નહીં. એટલું જ નહીં, હોસ્‍પિટલમાં રહેલો આખો એન્‍ટિવેનમનો સ્‍ટોક પણ ખતમ થઈ ગયો. દર્દીની સ્‍થિતિ વધુ ગંભીર બનતાં ડોક્‍ટરોએ સમય બગાડ્‍યા વગર તેને તરત જ સ્‍ટેનફોર્ડ હોસ્‍પિટલમાં રિફર કર્યો. ત્‍યાંના ડોક્‍ટરોએ વધુ ૧૮ એન્‍ટિવેનમના ઇન્‍જેક્‍શન આપ્‍યા. આમ, ક્રિસને કુલ ૫૪ એન્‍ટિવેનમના ઇન્‍જેક્‍શન આપવા પડ્‍યા.

તબીબી નિષ્‍ણાતોના જણાવ્‍યા મુજબ, સામાન્‍ય રીતે રેટલસ્‍નેક કરડે ત્‍યારે દર્દીને બહુ ઓછા એન્‍ટિવેનમની જરૂર પડતી હોય છે. કોઈ વ્‍યક્‍તિને ૫૪ એન્‍ટિવેનમના વાયલ્‍સ આપવા પડે, તે ખૂબ જ અસામાન્‍ય અને ગંભીર ઘટના છે. કેલિફોર્નિયા પોઇઝન કંટ્રોલ સિસ્‍ટમના મેડિકલ ડિરેક્‍ટર ડો. રાયસ વોહરાએ જણાવ્‍યું કે આ અત્‍યંત ગંભીર અને કમનસીબ કેસ હતો. કેટલાક કિસ્‍સાઓમાં સાપનું ઝેર એટલું ખતરનાક હોય છે કે એન્‍ટિવેનમ પણ તેની સામે સંપૂર્ણ અસરકારક સાબિત થતું નથી.

આ સમગ્ર સારવાર બાદ બંને હોસ્‍પિટલનું મળીને કુલ બિલ આશરે ૧૩ લાખ ડોલર (લગભગ ૧૧ કરોડ રૂપિયા) આવ્‍યું. હોસ્‍પિટલના જણાવ્‍યા અનુસાર, એક એન્‍ટિવેનમના વાયલની કિમત લગભગ ૧૩,૦૦૦ ડોલર (આશરે ૧૧ લાખ રૂપિયા) હતી. ક્રિસને કુલ ૫૪ વાયલ્‍સ આપવામાં આવ્‍યા હોવાથી માત્ર દવાનો ખર્ચ જ લગભગ ૭ લાખ ડોલર (આશરે ૬ કરોડ રૂપિયા) થયો હતો. આ ઉપરાંત, સ્‍ટેનફોર્ડ હોસ્‍પિટલના ત્‍ઘ્‍શ્‍માં માત્ર એક રાત રોકાવાનો રૂમ ચાર્જ જ ૬૧,૦૦૦ ડોલર (આશરે ૫૧ લાખ રૂપિયા) હતો. તે સિવાય એર એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા બીજી હોસ્‍પિટલમાં ખસેડવાનો ખર્ચ, CT સ્‍કેન, પ્‍લેટલેટ્‍સ અને પ્‍લાઝમા ચઢાવવાનો ખર્ચ પણ બિલમાં સામેલ હતો.

રાહતની વાત એ છે કે ક્રિસ પાસે હેલ્‍થ ઇન્‍શ્‍યોરન્‍સ હોવાથી આ ખર્ચનો મોટો ભાગ ઇન્‍શ્‍યોરન્‍સ દ્વારા આવરી લેવાય તેવી શક્‍યતા છે. જોકે, ઇન્‍શ્‍યોરન્‍સ પછી પણ તેમના પરિવારને પોતાના ખિસ્‍સામાંથી કેટલો ખર્ચ કરવો પડશે, તે હજુ સ્‍પષ્ટ થયું નથી.

(9:46 AM IST)