<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

અમેરિકાનું દેવુ દર ત્રણ મહિને આશરે ૧ લાખ કરોડ ડોલર વધી રહ્યું છે

આમદની અઠન્‍ની ઓર ખર્ચા રૂપૈયા જેવી સ્‍થિતિ : સરકારની આવક સતત ઘટી રહી છે અને ખર્ચ વધી રહ્યો છે

વોશીંગ્‍ટન, તા.૨૯: દુનિયાનું ટોચનું અને મજબૂત અર્થતંત્ર ધરાવતા દેશ અમેરિકાનું દેવું દિન-પ્રતિદિન વધી રહ્યું છે. કોવિડ મહામારી બાદ સર્જાયેલી હાલાકીમાંથી ઉભરવા માટે અમેરિકી સરકાર દ્વારા મોટાપાયે ખર્ચ કરવામાં આવ્‍યો હોવાથી દેવામાં સતત વધારો થયો હોવાનું જાણવા મળ્‍યું છે. અમેરિકાની ફેડરલ ગવર્નમેન્‍ટનુ દેવુ ૩૫ લાખ કરોડ ડોલરથી વધી હવે ૨.૫ અબજ ડોલર  થયું છે. ૨૦૧૯ બાદ તેમાં ૧૩ લાખ કરોડ ડોલરનો વધારો થયો છે. જે ભારતની ઈકોનોમી કરતાં ત્રણ ગણું છે.

અમેરિકાનો ડેટ ટુ જીડીપી રેશિયો ૧૨૨ ટકા થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં તેમાં ૧૯ ટકા વળદ્ધિ નોંધાઈ છે. અમેરિકાના ઈતિહાસમાં ફેડરલ ગવર્નમેન્‍ટના દેવામાં આટલી ઝડપથી કયારેય દેવુ વધ્‍યુ નથી. સ્‍થિતિ એ થઈ છે કે, અમેરિકાએ પોતાના દેવામાં ઘટાડો કરવા માટે અન્‍ય ખર્ચાઓ પર કાપ મૂકવો પડશે.

અમેરિકાનું દેવુ દર ત્રણ મહિને આશરે ૧ લાખ કરોડ ડોલર વધી રહ્યું છે. આ વર્ષે ચાર જાન્‍યુઆરીના રોજ તે ૩૪ લાખ કરોડ ડોલરે પહોંચ્‍યું હતું. અગાઉ ગતવર્ષે ૧૫ સપ્‍ટેમ્‍બરે ૩૩ લાખ કરોડ ડોલર, ૧૫ જૂને ૩૨ લાખ કરોડ ડોલર હતું. ૩૧ લાખ કરોડ ડોલરથી ૩૨ લાખ કરોડ ડોલર થતાં આઠ મહિના થયા હતાં. અમેરિકાની સંઘીય સરકાર પોતાના ખર્ચાઓને કવર કરવા માટે જે ઉધાર લે છે, તેને અમેરિકાનું દેવું તરીકે ઓળખાય છે. જે ઝડપથી વધી રહ્યુ છે. જો દેવામાં સતત વધારો થતો રહ્યો તો તે ૨૦૫૪માં દેશના જીડીપીના ૧૬૬ ટકા થશે.અમેરિકામાં સરકારની આવક સતત ઘટી રહી છે અને ખર્ચ વધી રહ્યો છે. નિષ્‍ણાતોના જણાવ્‍યા અનુસાર, દેવામાં સતત વધારો એ દેશના અર્થતંત્ર અને રાષ્‍ટ્રીય સુરક્ષા માટે યોગ્‍ય નથી. જો આમ બનતુ રહ્યું તો અમેરિકાએ રોજ ૧.૮ અબજ ડોલર વ્‍યાજપેટે ચૂકવવા પડશે. જેથી વ્‍યાજ ચૂકવતાં ચૂકવતાં જ અમેરિકાનું અર્થતંત્ર ધોવાઈ જશે. સરકારે રિસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટ, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને શિક્ષણ પર થતાં કુલ ખર્ચ કરતાં વધુ પૈસા વ્‍યાજ પેટે ચૂકવવા પડી શકે છે. ઉલ્લેખનીય છે, દેશનું અર્થતંત્ર કોવિડ મહામારી બાદ હવે સારી સ્‍થિતિમાં છે. બેરોજગારી ઘટી છે.

(3:50 PM IST)