તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Wednesday, 31st July 2024
આ દેશના કાયદાથી 40 લાખ કૂતરાનું નામોનિશાન મટી જશે

નવી દિલ્હી: તૂર્કીમાં રસ્તા પર રખડતાં કૂતરાઓની કુલ વસતી લગભગ 40 લાખ છે. રખડતાં કૂતરાઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે નાગરિકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે અને રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. તૂર્કીની સરકારે તેનાથી છૂટકારો મેળવવા માટે એક કાયદો બનાવ્યો છે જેના કારણે દેશના રસ્તા પર ઉગ્ર દેખાવો શરુ થઈ ગયા છે. તૂર્કીના ધારાસભ્યોએ દેશના રસ્તા પરથી લાખો કૂતરાઓને હટાવી દેવા માટે બનાવવામાં આવેલા કાયદાને મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ હવે પશુ-પ્રેમીઓને ડર છે કે, તે દ્વારા કૂતરાઓને મારી નાખવામાં આવશે અથવા તેઓને નિર્જન સ્થળ પર છોડી દેવામાં આવશે. તૂર્કીની ગ્રાન્ડ નેશનલ ઍસેમ્બ્લીના પ્રતિનિધિઓએ મંગળવારે એક લાંબા સત્રમાં ચર્ચા બાદ કૂતરા અંગેના કાયદાને મંજૂરી આપી દીધી હતી. સરકારે ઉનાળાની રજાઓ પહેલાં જ તેને પાસ કરવા પર ભાર મૂક્યો હતો. તૂર્કીમાં આ પ્રકારનો કાયદો બનતાની સાથે જ હજારો લોકો તેની વિરુદ્ધમાં આવી ગયા છે અને રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકો માંગ કરી રહ્યા છે કે કાયદાની જે કલમ જણાવે છે કે રખડતાં પ્રાણીઓને મારવાની છૂટ આપવામાં આવશે તેને નાબૂદ કરવામાં આવે. વિપક્ષી સાંસદો, પશુ કલ્યાણ જૂથો અને અન્ય લોકોએ આ બિલને 'ક્રૂર કાયદો' ગણાવ્યો છે. રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પોતાની સત્તારુઢ પાર્ટી અને સાથી પક્ષના પ્રતિનિધિઓનો આભાર માન્યો, જેમણે લાંબા અને ઊંડા વિચાર-વિમર્શ બાદ કાયદો બનાવવામાં મદદ કરી. તેમણે કહ્યું કે, વિપક્ષની ઉશ્કેરણી અને જૂઠ તથા વિકૃતિઓ પર આધારિત અભિયાનો છતાં, નેશનલ ઍસેમ્બ્લીએ ફરી એકવાર લોકોની વાત સાંભળી, મૌન બહુમતીની બાબતને અવગણવાનો ઇન્કાર કરી દીધો. સરકારને અંદાજ છે કે તૂર્કીના રસ્તા અને ગ્રામીણ વિસ્તારમાં લગભગ 40 લાખ રખડતાં કૂતરા ફરી રહ્યા છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં કૂતરાઓ એકસાથે રહે છે, ત્યારે લોકોનું જીવવું મુશ્કેલ બની જાય છે. કૂતરા ક્યારેક ટોળામાં ભેગા થઈ લોકો પર હુમલો પણ કરે છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
