<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

રશિયામાં નોકરીના બહાને યુવાનોને યુક્રેન સામેના યુદ્ધમાં ઉતારી દેવામાં આવતા હોવાના સમાચાર

નવી દિલ્હી: પ શ્ચિમ બંગાળના કાલિમપોંગ ગામમાં એક ઓરડી અને બાથરૂમ ધરાવતા ઘરમાં ખાટલા પર અંબિકા નામની મહિલા ઘેર એકલી હોઈ રડી રહી છે. હજુ થોડી મીનીટો પહેલા જ તેના ૪૦ વર્ષીય  પતિ ઉર્જેન તામંગનો વિરહની બે મહિનાની તડપ વચ્ચે  ફોન આવ્યો. કંઈક અમંગળ તો નથી થયુંને તેવા ફફડાટ સાથે અંબિકાએ ફોન ઉપાડયો. ઉર્જેનેે ધુ્રજારીભર્યા અવાજ સાથે રડતા રડતા કહ્યું કે 'અંબિકા મેં તને અગાઉ ફોન  કર્યો હતો કે ગામના આગેવાનોને કહે કે મને રશિયામાંથી ભારત દેશ પરત લાવવા સરકાર સુધી તાત્કાલિક  રજૂઆત કરે. પણ હજુ સુધી કંઈ થયું નથી. મને  એજન્ટે રશિયાની આર્મીમાં વેચી દીધો છે અને હાલ હું યુક્રેન સામેના યુદ્ધમાં ફ્રન્ટમાં મુકાયો છું.મારી આજુબાજુ સૈનિકોના મૃતદેહ પડયા છે. તેઓ પણ મારી જેમ અન્ય દેશોના હોય તેમ લાગે છે. કાતિલ ઠંડીમાં રાઇફલમાંથી છૂટતી ગોળીઓની વર્ષા અને બોમ્બના વિસ્ફોટો વચ્ચે હું ઘેરાઈ ગયો છું.મારા ૧૫ સાથીઓમાંથી ૧૩ના મૃત્યુ થયા છે. જો મને આગામી બે ત્રણ દિવસમાં ભારત પરત લાવવા કેન્દ્ર સરકાર  રશિયન સરકારનો સંપર્ક કરીને કોઈ પગલાં લેવડાવવામાં  સફળતા નહીં મેળવે તો આ મારો આખરી ફોન હોઈ શકે.આ તો હું મહામહેનતે નેટવર્ક એરિયામાં પ્રવેશી શક્યો છું એટલે બે મહિના પછી તારી જોડે નો સંપર્ક શક્ય બન્યો છે. આ..વ..જે .. સંતાનોનું ધ્યાન રાખજે. હવે મારે બંકરમાં કેટલાક દિવસો વિતાવવાના છે.' પતિ પત્ની બંનેના આક્રંદ વચ્ચે વાતચીતનો તાર તૂટયો. હજુ માંડ અંબિકા રડવાનું બંધ કરે છે ત્યાં બહાર રમતી તેઓની પુત્રી આવીને પૂછે છે કે 'પપ્પા ફરી ક્યારે પાછા આવશે?'
બે મહિના અગાઉના આવા ફોન પછી અંબિકાએ જિલ્લાના  રાજકારણીની મદદથી છેક પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સુધી વાત પહોંચાડી હતી. ઉર્જેન તામંગ જોડે જ બનેલી આ ઘટના નહોતી પણ પશ્ચિમ બંગાળ , કર્ણાટક, ગુજરાત, કેરળ, તેલંગાના, ઉત્તર પ્રદેશ અને કાશ્મીર  અને અન્ય કેટલાક રાજ્યોમાંથી  આ રીતે એક રાષ્ટ્રીય રેકેટના ભાગ રૂપે એજન્ટો ખાસ કરીને વોચમેન કે સિક્યોરીટી સ્ટાફને રશિયામાં મોટી નોકરી આપવાની લાલચ આપીને સ્વપ્નસેવી કસાયેલી કાયા ધરાવતા ગરીબોને રશિયાના લશ્કરને વેચી દે છે. જ્યાં  મોત આજે નહીં તો કાલે નિશ્ચિત છે તેવા મોરચે વિશ્વભરના દેશોમાંથી આ રીતે ફસાવાયેલ નાગરિકોને યુક્રેન સામે યુદ્ધમાં ઉતારી દેવાય છે. ઉર્જેન પણ આવા રેકેટનો ભોગ બનેલી વ્યક્તિ છે. ઉર્જેન ગત જાન્યુઆરી સુધી ગુજરાતના કોઈ શહેરમાં સિક્યોરીટી સર્વિસ તરીકે નોકરી કરતો હતો.ત્યારે  તેના ગામમાં રહેતા મિત્રએ તેને ફોન કર્યો કે 'ચાલ મારી સાથે રશિયા., ત્યાં આર્મી વિભાગમાં હેલ્પર તરીકેની  નોકરી મળે છે. અત્યારે ભારતમાં આપણને  ૩૦ હજારના રૂપિયાનો પગાર મળે તેની  જગ્યાએ રશિયામાં  એક લાખ પગાર મળે તેમ છે. પણ આ બધી વ્યવસ્થા અને ત્યાં પહોંચવા માટે  હું તને ફોન નંબર આપું તે એજેન્ટને ફોન કરજે. મેં મારું નક્કી કરી લીધું છે. તું પણ ત્રણ લાખની વ્યવસ્થા ગમે તે ભોગે કરીને જોડાઈ જા.'

 

(6:47 PM IST)