News of Monday, 5th August 2024
ઇરાનના આક્રમણના ડર વચ્ચે પણ ઇઝરાયલે ગાઝા પર કર્યો હુમલો:18 લોકોના મૃત્યુ

નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં ઈઝરાયેલ અનેક મોરચા પર યુદ્ધ કરી રહ્યું છે. એકબાજુ ગાઝા અને રફાહમાં હમાસ વિરુદ્ધ તેની સૈન્ય કાર્યવાહી ચાલુ છે, જેમાં રવિવારે ગાઝા પર કરાયેલા હુમલામાં ૧૮ લોકોનાં મોત નીપજ્યાં છે. બીજીબાજુ હિઝબુલ્લાહ અને ઈરાનની યુદ્ધની તૈયારીઓ વચ્ચે ઈઝરાયેલે નુસેરાતમાં હવાઈ હુમલો કરી વધુ એક ટોચના કમાન્ડર ઈસ્માઈલ નોફાલને મારી નાંખી હમાસને મોટો ફટકો પહોંચાડયો છે.ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લગભગ ૧૦ મહિનાથી ચાલી રહેલા યુદ્ધ અને તહેરાનમાં બુધવારે હમાસના વડા ઈસ્માઈલ હનિયેહ તેમજ મંગળવારે બેરુતમાં હિઝબુલ્લાહના કમાન્ડર ફુઆદ શુકરની હત્યા પછી મધ્ય-પૂર્વમાં યુદ્ધ વધુ ભયાનક બનવાનું જોખમ વધી ગયું છે. આ જોખમો વચ્ચે ઈઝરાયેલે ગાઝા પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. રવિવારે ગાઝા પર કરાયેલા એક હવાઈ હુમલામાં ૧૮ લોકોનાં મોત નીપજ્યાં હતાં. બીજીબાજુ ઈઝરાયેલની રાજધાની તેલ અવીવના પરાંમાં પેલેસ્ટાઈનના એક કટ્ટરવાદી નાગરિકે ચાકુથી હુમલો કરતા ૭૦ વર્ષીય મહિલા અને ૮૦ વર્ષીય વૃદ્ધનાં મોત નીપજ્યાં હતાં જ્યારે અન્ય બેને ઈજા પહોંચી હતી. બીજીબાજુ ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ઈઝરાયેલે રવિવારે ગાઝાની અલ-અક્સા શહીદ હોસ્પિટલ પરિસરની અંદર વિસ્થાપિત લોકો માટે બનેલા શિબિરમાં હુમલો કર્યો હતો, જેમાં એક મહિલા સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા અને અન્ય અનેક ઘાયલ થયા હતા. ઈઝરાયેલના સૈન્યે કહ્યું કે તેણે પેલેસ્ટાઈનના એક કટ્ટરવાદીને નિશાન બનાવ્યો હતો, પરંતુ ત્યાં વધુ વિસ્ફોટો થયા હતા, જે એ બાબતના સંકેત આપે છે કે આ ક્ષેત્રમાં હથિયારો હતા.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
