<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

જુઓ દુનિયાના ટોપ 10વેલ કનેક્ટેડ એરપોર્ટ વિશે

નવી દિલ્હી: અગાઉના પ્રમાણમાં વિશ્વ હવે પ્રતિદિન નાનુ થતું જાય છે. એનું કારણ છે ઝડપી પરિવહન. આજે હવાઈમાર્ગે મુસાફરી કરીને દુનિયાના કોઈપણ ખૂણે આસાનીથી પહોંચી શકાય છે. અગાઉની સરખામણીમાં દુનિયાના મહાનગરો વચ્ચે કનેક્શન પણ વધારે અને ઝડપી બન્યા છે. તાજેતરમાં 'એરપોર્ટ્સ કાઉન્સિલ ઇન્ટરનેશનલ' (ACI) દ્વારા 'વૈશ્વિક કનેક્ટિવિટી'ના સંદર્ભમાં દુનિયાના મોટા અને જાણીતા well-connected એરપોર્ટ વિશે આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી છે. ચાલો, એક નજર નાંખીએ એ રસપ્રદ આંકડાઓ પર અને જાણીએ કે કયું એરપોર્ટ કયા ક્રમે બિરાજે છે. આખા વિશ્વમાં 309 ડેસ્ટિનેશન્સ(ગંતવ્ય સ્થાનો) સાથે આ લિસ્ટમાં તુર્કી દેશના ઈસ્તંબુલ એરપોર્ટ નંબર વન પર આવે છે. અમેરિકા કે યુરોપના કોઈ દેશના એરપોર્ટને બદલે પહેલા ક્રમે ઈસ્તંબુલ એરપોર્ટનું નામ જોઈને ઘણાને નવાઈ લાગી હશે, પણ આ હકીકત છે.
ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો ઈસ્તંબુલ એરપોર્ટ અડધું યુરોપમાં તો અડધું એશિયામાં છે. ઉપરાંત એ આફ્રિકાની પણ નજીક છે. એટલે એનું એવું મોકાનું સ્થાન પણ એના પ્રથમ ક્રમાંકે આવવામાં ભાગ ભજવે છે. માત્ર છ વર્ષ પહેલાં 2018માં સ્થપાયેલું હોવાથી આ એરપોર્ટ પ્રમાણમાં નવું કહી શકાય એમ છે.
વાર્ષિક 9 કરોડ મુસાફરોનું આવાગમન ધરાવતું આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિશ્વનું સાતમું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. સવલતો અને સજાવટની દૃષ્ટિએ જોઈએ તો વિશ્વના ટોપ ટેન જોવાલાયક એરપોર્ટમાં એને દસમું સ્થાન મળે છે.
વિશ્વના well-connected એરપોર્ટના લિસ્ટમાં બીજા અને ત્રીજા ક્રમે યુરોપના બહુ જાણીતા એરપોર્ટ એવા અનુક્રમે ફ્રેન્કફર્ટ એરપોર્ટ (જર્મની – 296 ગંતવ્ય સ્થાન) અને ચાર્લ્સ દ ગોલ એરપોર્ટ (પેરિસ – 282 ગંતવ્ય સ્થાન) આવ્યા છે. ચોથા સ્થાન માટે ટાઇ છે અમેરિકાના શિકાગો શહેરના 'ઓ'હર ઇન્ટરનેશનલ એરપોર્ટ' અને નેધરલેન્ડના એમ્સ્ટર્ડમ શહેરના 'શિફોલ એરપોર્ટ' વચ્ચે. બંને એરપોર્ટ 270 ગંતવ્ય સ્થાન કનેક્ટિવિટી ધરાવે છે. છઠ્ઠા ક્રમે યુનાઈટેડ આરબ અમીરાતનું 'દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ' (269 ગંતવ્ય સ્થાન), સાતમા ક્રમે અમેરિકાના ડલાસ શહેરનું 'ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટ' (261 ગંતવ્ય સ્થાન), આઠમા ક્રમે ચીનના શાંઘાઈ શહેરનું 'પુડોંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ' (243 ગંતવ્ય સ્થાન), નવમા ક્રમે અમેરિકાના એટલાન્ટા શહેરનું 'હાર્ટ્સફિલ્ડ-જેક્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ' (237 ગંતવ્ય સ્થાન) અને દસમા ક્રમે ઈટાલીના રોમ શહેરનું 'લિયોનાર્ડો દા વિન્સી એરપોર્ટ' (234 ગંતવ્ય સ્થાન) રહ્યા છે.

 

(5:35 PM IST)