<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

જાણો આ બે લોકેશનમાં શું ફેર છે

નવી દિલ્હી: તમે ઘણી વાર જોયું હશે - સ્માર્ટફોનમાં આપણે નવી કોઈ એપ ઇન્સ્ટોલ કરીએ એટલે, એપ ગમે તે હોય, લગભગ તે આપણું લોકેશન જાણવા માટેની મંજૂરી માગે. ઘણી એપ માટે આવી જાણકારી જરૂરી હોય, તો કેટલીક એપ માટે બિલકુલ જરૂરી ન હોય. આવી મંજૂરી આપવા માટે થોડા સમય પહેલાં આપણી પાસે ફક્ત બે વિકલ્પ હતા. આપણે આવી મંજૂરી નકારીએ અથવા હા પાડીએ. જો હા પાડીએ તો એ એપ આપણું એક્ઝેટ લોકેશન જાણી શકે.
એન્ડ્રોઇડનું ૧૨મું વર્ઝન લોન્ચ થયું ત્યારથી આમાં એક નવો વિકલ્પ ઉમેરાયો. હવે આપણે જે તે એપને ફક્ત આપણું અપ્રોક્સિમેટ કે એસ્ટિમેટેડ લોકેશન જાણવાની છૂટ આપી શકીએ છીએ. એપલમાં પણ આવી સગવડ છે.
ઉદાહરણ સાથે જોઇએ તો ગૂગલ મેપ, ફૂડ ડિલિવરી કે કેબ એપ જેવી એપને આપણે પોતાનું ચોક્કસ લોકેશન જણાવવું જરૂરી છે. પરંતુ હવામાનની માહિતી આપતી વેધર એપને એટલી બધી ચોકસાઈની જરૂર નહીં. તેને ફક્ત આપણો વિસ્તાર કે ગામ, શહેર ક્યું છે એ જાણવા મળે તો તે પૂરતું છે. આપણે પ્રિસાઇસ લોકેશનની છૂટ આપીએ તો ફોનમાંનાં જીપીએસ સેન્સર્સની મદદથી એપ આપણું એક્ઝેટ લોકેશન જાણી શકે છે, જેમાં ક્યારેક તો ફક્ત દસેક ફૂટ જેટલો જ ફેરફાર હોઈ શકે છે.  જ્યારે અપ્રોક્સિમેટ લોકેશનની છૂટ આપીએ તો વાઇ-ફાઇ અને મોબાઇલ ડેટાની મદદથી સોએક મીટરના વર્તુળમાં આપણે ક્યાંક છીએ તેવું એપ જાણી શકે છે. આથી પછી હવે જ્યારે કોઈ એપ તમારું લોકેશન જાણવાની મંજૂરી માગે તો એને કેટલી છૂટ આપવી તે વિચારીને જ મંજૂરી આપજો - અલબત્ત, કેટલીક એપ ધરાર પ્રિસાઇસ લોકેશન જ જાણવા માગશે!

 

 

(5:47 PM IST)