<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

આ જગ્યા પર ભોજનનો બગાડ કરવા પર ચૂકવવો પડે છે આટલો દંડ

નવી દિલ્હી: જર્મનીના હેમ્બર્ગમાં મારો પ્રથમ દિવસ હતો. મને આવકારવા માટે થોડા મહિના અગાઉ જ ભારતથી જર્મનીમાં સ્થાયી થયેલા મિત્રોએ રેસ્ટોરન્ટમાં એક વેલકમ પાર્ટીનું આયોજન કરેલું. રેસ્ટોરન્ટમાં ખૂબ જ મર્યાદિત લોકો હતા, જે પણ લોકો ભોજન લઇ રહ્યા હતા તેમની ડિશમાં માત્ર બે વાનગી જોવા મળી રહતી અને તે પણ મર્યાદિત માત્રામાં. વેઇટર અમારી પાસે આવ્યો એ સાથે જ અમે મેનુમાંથી જે પણ વાનગી જોવા મળી તેમાંથી ૫૦ ટકાથી વધુ વાનગીનો ઓર્ડર આપી દીધો. વાનગીઓ અમારી ડિશમાં પીરસાઇ અને અમે ભૂખ-ભાવવા અનુસાર તે ખાધી અને બાકીની છાંડી દીધી. અમે રેસ્ટોરન્ટમાંથી બહાર હજુ જઇ જ રહ્યા હતા ત્યાં તે રેસ્ટોરન્ટનો મેનેજરે અમે છાંડેલા ભોજન સામે નારાજગી વ્યક્ત કરી. અમે તેને સામે જવાબ આપ્યો કે, 'અમે તમને ભોજનના નાણા ચૂકવી દીધા છે અને હવે અમે તે પૂરેપૂરું ખાઇએ કે છાંડીએ તે અમારી મરજી છે. ' મેનેજરે તુરંત જ થોડે દૂર જઇને એક ફોન કર્યો. થોડી જ વારમાં યુનિફોર્મમાં એક અધિકારી આવી પહોંચ્યો, તે સોશિયલ સિક્યુરિટી ઓર્ગેનાઇઝેશનમાંથી હતો. તેણે પહેલા અમારા છાંડેલા ભોજન પર નજર કરી અને પછી તુરંત ૫૦ યુરો (અંદાજે રૂ. ૪૬૦૦)નો દંડ ફટકારી દીધો. જતાં-જતાં તે અધિકારીએ અમને કહ્યું, 'તમે આ દેશમાં નવા છો એટલે સલાહ આપું છું. જેટલું ખાઇ શકો એટલો જ ઓર્ડર આપો. ભોજન માટે તમે જે ચૂકવો છો તે નાણા બેશક તમારા છે પણ સંસાધનો સમાજના છે. વિશ્વમાં અનેક લોકો છે જેમની પાસે અપૂરતા સંસાધનો છે. દેશના સંસાધનો વેડફવાનો તમને કોઇ જ અધિકાર નથી. ' સોશિયલ મીડિયામાં થોડા સમય અગાઉ વાયરલ થયેલી એક પોસ્ટના આ અંશ છે. રોટી, કપડાં અને મકાન એ માણસની પાયાની જરૂરિયાત છે. માણસને ભૂખ લાગે એટલે એને બીજું કશું જ સૂઝતું નથી. એ ભૂખ્યો હોય અથવા એનું કુટુંબ ભૂખ્યું બેઠું હોય તો પેટનો ખાડો પુરવા એ ગમે તે હદ સુધી જઇ શકે છે. એટલા માટે જ કહેવાયું છે કે 'બુભુક્ષીતમ કીમ ન કરોતિ પાપમ' એટલે કેસ ભૂખ્યો માણસ કોઈ પણ પાપ કરી શકે છે. પરંતુ થાળીમાંથી ભોજન છાંડવું તે પણ કોઇ પાપથી કમ તો નથી જ. 'સુરરર...સુરરર.. એવા સબડકા મારી અને દાળ-કઢી પીએ નહીં તો તો આપણો જનમારો લાજે, એવું આપણું  દ્રઢપણે માનવું છે. અને હા, ખાધા પછી પડતું મૂકવું-છાંડવું એ પણ આપણને બહુ ગમે. ખાધેપીધે સુખી માણસો તો થોડું પડતું મૂકે જ. ભુખ્ખડ માણસો જ થાળી સફાચટ કરે.'  આવી આપણી વિચારસરણી છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ખેતરમાંથી પાકીને તૈયાર થયેલું અનાજ નાની દુકાનો સુધી પહોંચે અને આ પ્રક્રિયા દરમિયાન અનાજનો જે બગાડ કે વ્યય થાય છે તેના માટે 'ફૂડ લોસ' જેવા શબ્દનો ઉપયોગ કરે છે જ્યારે ડાઇનિંગ ટેબલ કે પ્લેટમાંથી ફેંકી દેતાના અનાજ માટે 'ફૂડ વેસ્ટેજ' જેવો શબ્દ વાપરે છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧ લાખ કરોડ યુએસ ડોલરના મૂલ્યના ૧.૩ અબજ ટન જેટલા અન્નનો બગાડ થાય છે. અધૂરામાં પૂરું આ બગાડ ૮ થી ૧૦ ટકા જેટલો ગ્રીનહાઉસ ગેસ છોડીને પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે. 

(7:06 PM IST)