News of Wednesday, 6th November 2024
ઇઝરાયલે ગાઝામાં કર્યો ભયાનક હુમલો:મહિલા બાળકો સહીત 30ના મૃત્યુ

નવી દિલ્હી: ઈઝરાયલી સેનાએ ગાઝામાં ફરી ભયાનક હુમલો કર્યો છે. પેલેસ્ટાઈની તબીબી અધિકારીઓએ દાવો કર્યો છે કે, ઈઝરાયલે ગાઝામાં ધડાધડ મિસાઈલો ઝિંકતા ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. બીજીતરફ ઈઝરાયલે ગાઝાના અનેક શહેરોમાં આકાશમાંથી પત્રીકાઓ ફેંકી વિસ્તારો ખાલી કરવા ધમકી પણ આપી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ઈઝારયલી સેનાએ ગાઝા પટ્ટીમાં વિમાની હુમલા કરતા ચાર બાળકો અને બે મહિલાઓ સહિત 10 લોકોના મોત થયા છે. જ્યારે સોમવારે મોડી રાત્રે લહિયા શહેરમાં કરેલી હુમલામાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. હોસ્પિટલના નિદેશક હુસ્સામ અબુ સફિયાએ કહ્યું કે, ઈઝરાયેલે બેટ લહિયા શહેરની બિલ્ડિંગમાં હુમલો કર્યો હતો, જેમાં અનેક પરિવારો આશરો લઈ રહ્યા હતા. ગાઝાના આરોગ્ય મંત્રાલયની ઈમરજન્સી સેવા દ્વારા મૃતકોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં આઠ મહિલાઓ અને છ બાળકો સામેલ છે. બીજીતરફ ઈઝરાયેલે આ મામલે હજુ સુધી કોઈપણ પ્રતિક્રિયા આપી નથી. ઈઝરાયલ લગભગ એક મહિનાથી ઉત્તરી ગાઝાને નિશાન બનાવી રહ્યું છે. ઈઝરાયલે બેટ લહિયા, બેટ હુનાન અને જબાલિયા શહેરમાં એરક્રાફ્ટમાંથી પત્રીકાઓ ફેંકી શરણાર્થી કેમ્પને સંપૂર્ણ ખાલી કરવાની ચેતવણી આપી છે. ઈઝરાયેલે છેલ્લા મહિનાથી લગભગ કોઈ માનવતાવાદી સહાય આવવાની મંજૂરી આપી નથી.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
