News of Friday, 29th November 2024
મૃત્યુના અધિકાર અંગે બિલ લાવી શકે છે આ દેશ

નવી દિલ્હી: ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં હાલ નવા બિલની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ બિલ મૃત્યુના અધિકાર વિશે છે. આ બિલ સાંસદ કિમ લીડબીટર લાવી રહ્યા છે. અહેવાલો અનુસાર, છ મહિનામાં મૃત્યુ પામે તેવી સંભાવના ધરાવતાં આવા વૃદ્ધ લોકો આ લાભ મેળવી શકશે. જો કે, તેનો ઉપયોગ કરવા માટે પોતાનો નિર્ણય લેવો પડશે અને આ માટે માનસિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે. હવે આ બિલને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે. ઘણાં લોકો કહે છે કે તેના દુરુપયોગની શક્યતા ઘણી વધારે છે. મૃત્યુના અધિકારનો કાયદો બન્યા બાદ આ માટે ખાસ પ્રક્રિયા હાથ ધરાશે. આ અંતર્ગત મૃત્યુની ઇચ્છા રાખનાર વ્યક્તિએ બે અલગ-અલગ ઘોષણાપત્ર તૈયાર કરવો પડશે. જે સાક્ષીઓની હાજરીમાં કરવામાં આવશે અને તેના પર તે વ્યક્તિની સહી પણ હશે. આ ઉપરાંત બે સ્વતંત્ર ડૉકટરો પુષ્ટિ કરશે કે મૃત્યુ ઇચ્છતી વ્યક્તિ ખરેખર એવી સ્થિતિમાં છે કે, તેને પરવાનગી આપી શકાય. જરૂર પડ્યે આ તબીબ નિષ્ણાતનો અભિપ્રાય પણ લઈ શકાશે. ત્યારબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ આમાંથી ઓછામાં ઓછા એક ડૉક્ટર સાથે વાત કરશે અને જો તેમને લાગશે તો મરવાની ઇચ્છા રાખનાર વ્યક્તિની પૂછપરછ પણ કરશે. આ સમગ્ર પ્રક્રિયામાં 7થી 14 દિવસનો સમય લાગી શકે છે. જો કોઈનું મૃત્યુ નજીક છે તો આ સમય 48 કલાકનો નક્કી કરવામાં આવ્યો છે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
