<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

જીવનભર અપરિણીત રહેનારને આર્થિક, મેડિકલ ગેરલાભ

‘સિંગલ' વ્‍યક્‍તિ પરિણીત કે સાથી સાથે રહેતા લોકોની તુલનામાં ઓછા સંતુષ્ટ હોય છેઃ અભ્‍યાસનું તારણ

નવી દિલ્‍હી, તા.૩૦: જીવનભર અપરિણીત રહેવાનું પસંદ કરતા લોકોને આર્થિક અને મેડિકલ ગેરલાભની શક્‍યતા હોવાનું એક અભ્‍યાસમાં જણાવાયું છે. ખાસ કરીને પરિણીત કે લાંબો સમય રિલેશનશિપમાં રહેનાર વ્‍યક્‍તિની તુલનામાં આવા લોકોને ગેરફાયદો થઈ શકે.

‘સાઇકોલોજિકલ સાયન્‍સ' જર્નલમાં પ્રકાશિત અભ્‍યાસમાં જણાવ્‍યા અનુસાર અપરિણીત રહેનાર વ્‍યક્‍તિ પરિણીતની તુલનામાં ઓછા સંતુષ્ટ રહે છે. ઉપરાંત, જીવનસાથી સાથે રહેતા લોકોની સરખામણીએ ‘સિંગલ' વ્‍યક્‍તિની અલગ વિશેષતા હોય છે. અભ્‍યાસના તારણ દર્શાવે છે કે, અપરિણિત કે ‘સિંગલ' વ્‍યક્‍તિ માટે મદદરૂપ નેટવર્ક વિકસાવવું જરૂરી છે. ખાસ કરીને આ બાબત એટલા માટે જરૂરી છે કારણ કે લોકો વૃદ્ધ થયા પછી અન્‍ય પર વધુ નિર્ભર બને છે એવી માહિતી જર્મનીની બ્રેમેન યુનિવર્સિટીની ટીમે આપી હતી. યુનિવર્સિટીના સિનિયર રિસર્ચર અને અભ્‍યાસના મુખ્‍ય નિષ્‍ણાત જુલિયા સ્‍ટર્ને જણાવ્‍યું હતું કે, ‘ખાસ કરીને વૃદ્ધ લોકોને આરોગ્‍ય અને નાણાકીય સમસ્‍યામાં મદદની વધુ જરૂર પડે છે અને સામાન્‍ય રીતે જીવનસાથી કે પાર્ટનર આવી મદદ માટે જરૂરી છે.'

અભ્‍યાસમાં સિંગલ અને જીવનસાથી સાથે રહેતા યુરોપના ૭૭,૦૦૦ લોકોની તુલના કરવામાં આવી હતી. જેમાં જીવનમાં સંતુષ્ટિના રેટિંગ અને વ્‍યક્‍તિત્‍વની મોટી પાંચ વિશેષતા અંગેનો અભિપ્રાય જાણવામાં આવ્‍યો હતો. જીવનભર એકલી રહેતી વ્‍યક્‍તિ પરિણીતોની તુલનામાં ઓછી બહિર્મુખી, અનુભવો માટે ઓછી તૈયાર જણાઇ હતી. રિસર્ચ ટીમને એવું પણ જણાયું હતું કે, અપરિણીત પુરુષોની તુલનામાં ‘સિંગલ' મહિલાઓના જીવનમાં સંતોષનું પ્રમાણ વધુ હતું. જયારે આધેડ વયની વ્‍યક્‍તિઓની તુલનામાં વરિષ્ઠ લોકો વધુ ખુશ હતા. અભ્‍યાસમાં જણાવ્‍યા અનુસાર ‘સિંગલ' વ્‍યક્‍તિની ખુશી ઉંમર સાથે વધે છે, પણ પરિણીત કે પાર્ટનર ધરાવતા લોકોની સંખ્‍યામાં તે વધુ ચિંતિત હોય છે. રિસર્ચ ટીમે ‘સિંગલ્‍સ'ની એકલતા દૂર કરવા નવા પ્રકારના પ્રોગ્રામ તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્‍યો હતો. જેમાં વરિષ્ઠ ‘સિંગલ્‍સ'ને સમાન વિચારો ધરાવતા લોકો સાથે મેળવવાની બાબત સામેલ છે.

(4:39 PM IST)