<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

દક્ષિણ કોરિયાના ફાઈટર જેટે ઉત્તર કોરિયાની સરહદ નજીક ભૂલથી કર્યો બૉમ્બ હુમલો:15 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: દક્ષિણ કોરિયામાં વાયુસેનાની ભૂલને કારણે એક મોટી ઘટના સામે આવી છે. ગુરુવારે એરફોર્સની તાલીમ કવાયત દરમિયાન ફાઈટર જેટ (KF-16)માંથી આઠ બોમ્બ આકસ્મિક રીતે ઉત્તર કોરિયાની સરહદ નજીક પડ્યા હતા. જેમાં 15 લોકો ઘાયલ થયા છે. એરફોર્સે આ દુર્ઘટનાની જાણકારી આપી હતી. જોકે અકસ્માત ક્યાં થયો તે જણાવવામાં આવ્યું નથી, પરંતુ દક્ષિણ કોરિયાના મીડિયાએ જણાવ્યું હતું કે અકસ્માત ઉત્તર કોરિયાની સરહદની નજીક આવેલા શહેર પોચેઓનમાં થયો હતો. એરફોર્સના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે KF-16 ફાઈટર એરક્રાફ્ટમાંથી અજાણતામાં આઠ MK-82 બોમ્બ છોડવામાં આવ્યા હતા. તમામ બોમ્બ નિર્ધારિત ફાયરિંગ રેન્જની બહાર પડ્યા હતા. સદનસીબે અમુક નાગરિકો જ ઘાયલ થયા હતા અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. વાયુસેનાએ સ્પષ્ટતા કરી કે તે માનવીય કે ટેકનિકલ ભૂલ હતી અને તપાસ શરૂ કરવામાં આવી છે. એરફોર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'KF-16 ફાઇટર એરક્રાફ્ટ દ્વારા ફાયર કરવામાં આવેલા MK-82 બોમ્બ અસાધારણ રીતે ફાયરિંગ રેન્જની બહાર પડ્યા હતા, જેના કારણે નાગરિકોને જાનહાનિ થઈ હતી. આ અકસ્માતના કારણની તપાસ કરવા અને નુકસાન નક્કી કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. ફાઈટર એરક્રાફ્ટ વાયુસેના સાથે સંયુક્ત કવાયતમાં ભાગ લઈ રહ્યું છે. વાયુસેનાએ નાગરિકોને થયેલા નુકસાન માટે માફી માંગી અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. તેણે કહ્યું કે તે પીડિતોને વળતર આપશે અને અન્ય જરૂરી પગલાં લેશે.'

 

(5:39 PM IST)