<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

સીરિયામાં થયેલ આક્રમક હિંસામાં 1થી વધુ લોકોના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: સીરિયાના લતાકિયા અને તારતૂસમાં સુરક્ષા દળો અને અસદના સમર્થકો અલાવી સમુદાય વચ્ચે હિંસા થોભવાનું નામ લઈ રહી નથી. છથી 10 માર્ચ દરમિયાન થયેલી હિંસામાં કુલ 1000 લોકોના મોત નીપજ્યા છે. આ વિસ્તારોમાં 72 કલાકથી પાણી અને વીજ સપ્લાય સંપૂર્ણપણે બંધ છે. મોતના આ આંકડા 2011ના ગૃહયુદ્ધ બાદ સૌથી વધુ છે.

સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ અનુસાર, સીરિયન સુરક્ષા દળોએ 6 થી 10 માર્ચના ચાર દિવસના ગાળામાં જ 1,018 લોકોની હત્યા કરી હતી. બશર અલ-અસદ ગયા વર્ષે ડિસેમ્બરમાં બળવા બાદ દેશ છોડીને રશિયા પલાયન કર્યું હતું. બાદમાં હયાત તહરિર અલ-શામ (HTS)એ સીરિયાની સત્તા પર કબજો જમાવ્યો હતો. HTSના લડાકૂઓ હવે સીરિયન સેનાનો ભાગ છે. તેઓ અસદના સમર્થકો અને પૂર્વ સરકારના અધિકારીઓ પર અવારનવાર હુમલાઓ કરી રહ્યા છે. સીરિયન સરકારનું કહેવું છે કે બશર અલ-અસદના સમર્થકોએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો, જે બાદ હિંસા શરૂ થઈ હતી. બીજી બાજુ અસદના સમર્થકો અને લડાકૂઓએ સુરક્ષા દળો પર તેમના રહેણાંક વિસ્તારોમાં બોમ્બ ફેંકવાની અને ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે સુરક્ષા દળોએ એક વ્યક્તિને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. સરકારે લતાકિયા અને ટાર્ટસમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કર્યા છે અને કર્ફ્યુનો આદેશ આપ્યો છે. રિપોર્ટ અનુસાર, અલાવી સમુદાયના લોકોને ટાર્ગેટ બનાવી મારવામાં આવી રહ્યા છે. જેના લીધે રસ્તાઓ મૃતદેહોથી ભરેલા છે. આ સમુદાયની મહિલાઓને રસ્તા પર નિર્વસ્ત્ર પરેડ કરાવવામાં આવી રહી છે. 

(6:53 PM IST)