News of Monday, 17th March 2025
અમેરિકાએ હુથી બળવાખોરો પર એરસ્ટ્રાઈક કરતા 31ના મૃત્યુ

નવી દિલ્હી: પ્રમુખ ટ્રમ્પના આદેશના પગલે અમેરિકન સૈન્યે યમનમાં શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કરી દીધા છે. ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્યને ઈરાન સમર્થિત હુથીઓ દુનિયા માટે મહત્વપૂર્ણ દરિયાઈ કોરિડોરમાં માલવાહક જહાજો પર હુમલા બંધ ના કરે ત્યાં સુધી હુમલા ચાલુ રાખવા જણાવ્યું છે. ટ્રમ્પે હુથી બળવાખોરોને પણ કહી દીધું છે કે તેમની પ્રવૃત્તિઓ નહીં રોકાય તો તેમનું જીવન નરકથી પણ ખરાબ કરી દેવાશે. એટલું જ નહીં હુથી બળવાખોરોને સમર્થન આપતા ઈરાનને પણ ચેતવણી આપતા ટ્રમ્પે કહ્યું કે હુથીઓના સમર્થનને તુરંત બંધ કરી દો. બીજીબાજુ હુથી બળવાખોરોએ કહ્યું કે, અમેરિકાના હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ૩૧ લોકોનાં મોત નીપજ્યાં છે અને ૧૦૧થી વધુને ઈજા પહોંચી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું, આજે મેં અમેરિકાના સૈન્યને યમનમાં હુતી આતંકીઓ વિરુદ્ધ નિર્ણાયક અને શક્તિશાળી સૈન્ય કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપી દીધો છે. હુથીઓએ લાલ સાગરમાં અમેરિકા અને અન્ય દેશો વિરુદ્ધ આતંક મચાવ્યો છે. તેમણે અમેરિકન જહાજો, વિમાનો અને ડ્રોન વિરુદ્ધ સમુદ્રી લૂંટ, હિંસાનું નિરંતર અભિયાન ચલાવ્યું છે. તેમના પ્રત્યે બાઈડેનનું વલણ નબળું હતું, તેથી હુથીઓ આક્રમક હતા. પરંતુ હવે અમારા સાહસિક સૈનિકો આતંકીઓના બેઝ, લીડર્સ પર હુમલા કરી રહ્યા છે અને મિસાઈલ ડિફેન્સ અમેરિકન જહાજોનું રક્ષણ કરી રહી છે. કોઈપણ આતંકી જૂથ અમેરિકન વેપારી અને નૌકા જહાજોને વિશ્વના જળ કોરિડોરમાં ફરતા રોકી શકશે નહીં.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
