<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

પાકિસ્તાનમાં બળવાખોરોના હુમલાઓ વચ્ચે એક અઠવાડિયામાં 2500 સૈનિકોએ સેના છોડી હોવાની માહિતી

નવી દિલ્હી:  તાજેતરમાં પાકિસ્તાની સેના પર બલુચિસ્તાન અને અન્ય પ્રાંતના બળવાખોરો દ્વારા હુમલા વધારી દેવામાં આવ્યા છે. એવામાં પાકિસ્તાની સેનાની અંદર આ હુમલાની ગંભીર અસર જોવા મળી રહી છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે વધી રહેલા હુમલા વચ્ચે મોટી સંખ્યામાં સૈનિકો પાકિસ્તાનની સેનાની નોકરી છોડવા લાગ્યા છે. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે માત્ર એક સપ્તાહમાં જ પાકિસ્તાની સેનામાંથી ૨૫૦૦ સૈનિકોએ રાજીનામા આપી દીધા અને નોકરી દીધી છે. કાબુલ ફ્રન્ટલાઇન મીડિયાના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. જેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે બળવાખોરોના વધી રહેલા હુમલા, પાકિસ્તાનની નબળી આર્થિક સ્થિતિ સહિતના અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની સૈનિકો નોકરી છોડવા લાગ્યા છે. જે લોકોએ સેનાની નોકરી છોડી છે તેઓ પાકિસ્તાનને પણ અલવિદા કરી રહ્યા છે અને સાઉદી અરબ, કતર, કુવૈત કે યુએઇ જેવા અન્ય મુસ્લિમ દેશોમાં જઇ રહ્યા છે અને ત્યાં રોજગાર શોધી રહ્યા છે. પોતાના જીવને જોખમમાં મુકવાના બદલે પરિવારની ચિંતા કરીને તેઓ વિદેશમાં જઇને અન્ય સામાન્ય નોકરી કરીને આર્થિક સુરક્ષાને વધુ પસંદ કરવા લાગ્યા છે. સેનાની નોકરી છોડવાનું પ્રમાણ વધવાના આ અહેવાલ એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાક. સેના પર હુમલા વધારી દીધા છે. તાજેતરમાં જ ક્વેટા નજીક જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરી લીધી હતી જેમાં ૨૦૦થી વધુ સૈનિકો માર્યા ગયાનો દાવો બળવાખોરોએ કર્યો હતો, જ્યારે બાદમાં સેનાના કાફલામાં ૯૦થી વધુ સૈનિકો માર્યા ગયાનો દાવો કર્યો હતો. છેલ્લા ૪૮ કલાકમાં પાકિસ્તાનમાં ૫૭ જેટલા નાના મોટા હુમલા થયા છે. આ હુમલાઓને ટીટીપી અને બલુચિસ્તાન લિબરેશન આર્મીએ અંજામ આપ્યો છે. સ્નાઇપર શોટ, ગ્રેનેડ હુમલા, આઇઇડી વિસ્ફોટ અને ગોળીબારથી બળવાખોરોએ પાકિસ્તાનને માથે લીધુ છે. આ ૪૮ કલાકમાં થયેલા હુમલામાં કુલ ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા હોવાનો દાવો બળવાખોરોએ કર્યો છે જેમાં ટ્રેન હાઇજેકની ઘટના સામેલ નથી. 

 

(6:12 PM IST)