News of Monday, 31st March 2025
મ્યાનમારમાં ભૂકંપથી 334 પરમાણુ બોમ્બ જેટલી ઉર્જા નીકળી હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો

નવી દિલ્હી: મ્યાંમારમાં શુક્રવારે આવેલા ૭.૭ની તીવ્રતાના ભૂકંપથી ભારે વિનાશ વેરાયો છે. ભૂકંપની ભયાનક્તા અંગે જણાવતા ભૂવૈજ્ઞાાનિક જેસ ફિનિક્સે કહ્યું કે, આ ભૂકંપથી એટલી ઊર્જા નીકળી જે ૩૩૪ પરમાણુ બોમ્બના વિસ્ફોટથી થતી હોય છે. તેમણે ચેતવણી આપી કે આ ક્ષેત્રમાં મહિનાઓ સુધી આફ્ટરશોક્સ આવતા રહેશે, કારણ કે ભારતીય ટેક્ટોનિક પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે અથડાતી રહે છે.દુનિયાના સૌથી ગરીબ દેશોમાંના એક અને ગૃહ યુદ્ધનો સામનો કરી રહેલા મ્યાંમારમાં ભૂકંપથી ૧૭૦૦થી વધુના મોત નીપજ્યાં છે અને અગણિત લોકોના મૃતદેહો ઈમારતોના કાટમાળ નીચે દબાયેલા છે, જેના કારણે મ્યાંમારના બીજા સૌથી મોટા શહેર માંડલેમાં રસ્તાઓ પર દુર્ગંધ ફેલાઈ રહી છે. બીજીબાજુ અનેક લોકો કાટમાળ નીચે તેમના પરિવારજનો હજુ પણ જીવિત હશે તેવી આશાએ હાથથી ઈમારતોનો કાટમાળ ખસેડી રહ્યા છે. આ ભયાનક ભૂકંપથી અનેક ઈમારતો તૂટી પડવાની સાથે શહેરના એરપોર્ટ્સ, રસ્તા સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. તૂટેલા રસ્તા, પુલ, અને સંચાર વ્યવસ્થામાં અવરોધોના કારણે ગૃહયુદ્ધ વચ્ચે મ્યાંમારમાં રાહત કાર્ય ચલાવવું પડકારજનક બની ગયું છે. અનેક વિસ્તારો સુધી હજુ રાહત ટીમો પહોંચી શકી નથી. હોસ્પિટલોમાં જગ્યા નથી. ટ્રોમા કિટ, લોહીની બેગ, દર્દીને બેભાન કરવાની દવાઓ જેવા જરૂરી મેડિકલ સામાનની ભારે અછત છે. સ્થાનિક લોકો કાટમાળ હટાવવાના ભારે મશીનો વિના જ જીવિત લોકોને શોધવામાં લાગેલા છે. તેઓ ૪૧ ડિગ્રી સે. તાપમાનમાં પણ હાથ અને પાવડાથી કાટમાળ હટાવવા મજબૂર છે.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
