<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

ટોઇલેટ-સીટથી પણ ગંદૂં તમારા ઓશીકાનું કવર હોઈ શકે છે

ટોઇલેટ-સીટની લીડ પર જેટલા બેક્‍ટેરિયા અને જંતુઓ હોય છે એના કરતાં વધુગંદકી રોજ વપરાતા તકિયાના કવરમાં હોઈ શકે છે. તો એક વીકમાં બે વાર ઓશીકાનું કવર ધોવું જ જોઈએ

ન્‍યુયોર્ક તા.૧: ભલે આપણે વારંવાર ભૂલી જતા હોઈએ, પરંતુ ટૉઇલેટમાંથી બહાર આવીને પહેલાં સાબુથી હાથ ધોવા જોઈએ એવું આપણને બાળપણથી શીખવવામાં આવ્‍યું છે. જોકે અમેરિકાની નૅશનલ સ્‍લીપ ફાઉન્‍ડેશન નામની સ્‍વૈચ્‍છિક સંસ્‍થાના એક રિપોર્ટ મુજબ ટોઇલેટ-સીટની લીડ પર જેટલા બૅક્‍ટેરિયા અને જંતુઓ હોય છે એના કરતાં વધુ ગંદકી રોજ વપરાતા તકિયાના કવરમાં હોઈ શકે છે. એક વીક સુધી તમે જે ઓશીકા પર માથું નાખીને સૂતા આવ્‍યા છો એને જો ધોયું નથી તો એના પર ડસ્‍ટ, માઇટ્‍સ, બેક્‍ટેરિયા, લાળના અંશો, તૂટેલા વાળમાં રહેલા જંતુઓ અને ઈવન પરસેવાને કારણે પનપતી ફંગસના અવશેષો જમા થઈ જાય છે. અભ્‍યાસકર્તાઓએ નોંધ્‍યું છે કે એક વીક સુધી રોજ વપરાયેલા અને ન ધોવાયેલા ઓશીકાના કવર પર ૧૭,૦૦૦થી વધુ પ્રકારના બેક્‍ટેરિયા જમા હોય છે. જો એ પછી પણ કવર ધોવામાં ન આવે તો દર સ્‍ક્‍વેર ઇંચની જગ્‍યામાં ત્રણથી પાંચ મિલ્‍યન બૅક્‍ટેરિયાની કૉલોની બની જાય છે. એનો મતલબ એ છે કે બેક્‍ટેરિયાના ચેપથી બચવું હોય તો એક વીકમાં બે વાર ઓશીકાનું કવર ધોવું જ જોઈએ. જો એમ ન કરવામાં આવે તો ખીલ, ખોડો, અસ્‍થમા, ઍલર્જી થવાનું રિસ્‍ક વધે છે.

આ ઉપરાંત ઘરનાં સ્‍વિચબોર્ડ્‍સ, દરવાજાનાં હેન્‍ડલ, વોશબેસિન, ફ્રિજનું હેન્‍ડલ, ઝાપટિયું કે મસોતું, કાંસકો અને ટીવી-એરકન્‍ડિશનરનું રિમોટ એવી જગ્‍યાઓ છે જ્‍યાં ગંદકી જમા થવાની સંભાવના સૌથી વધુ છે.(૩૮.૧૬)

(3:54 PM IST)