<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

ઓએમજી....દુનિયાના 22 દેશો પાસે નથી પોતાનું સૈન્ય

નવી દિલ્હી: એક તરફ અમેરિકાએ તોતિંગ ટેરિફ નાખીને દુનિયાના ઘણા મોટા દેશો સામે નારાજગી વહોરી લીધી છે. બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે ચાર વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલ ગાઝાપટ્ટીમાં બોમ્બમારા કરે છે. અન્ય કેટલાક દેશોમાં આંતરવિગ્રહ અને સરહદી સમસ્યાઓ ચાલી રહી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં વિરોધ અને વિદ્રોહનો દૌર ચાલી રહ્યો છે. આ વૈશ્વિક અફરતફરી વચ્ચે દુનિયામાં એવા પણ દેશો છે જ્યાં ગુનાખોરી ખૂબ જ નીચે છે. જ્યાં આતંકવાદની ચિંતા નથી અને આ દેશોને મોટા પોલીસ બેડા કે લશ્કરી દળોની જરૂર નથી. આ દેશો પાસે મોટી સેના કે હથિયારો પણ નથી. આ દેશો પોતાને બચાવવા માટે અનોખી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જેમ કે બીજા દેશો સાથે ગઠબંધન કરવું અથવા તટસ્થતા જાળવી રાખવી. તેઓ ક્યારેય યુદ્ધમાં ઉતરતા નથી કે કોઈની સાથે વિવાદમાં પડતા નથી. તેના કારણે જ આ દેશોનો અન્ય સાથે વધારે વિવાદ થતો નથી. નવાઈની વાત એ છે કે કેટલાક દેશો એવા છે, જ્યાં ન તો સેના છે કે ન તો પોલીસ. છતાં આ દેશો દુનિયાના સૌથી સુરક્ષિત અને શાંતિપૂર્ણ દેશમાં ગણવામાં આવે છે. આ દેશો શાંતિ જાળવવા માટે ન તો કોઈ શસ્ત્રો રાખે છે, ન તો જંગી લશ્કરી બજેટ. તેમની પાસે આધુનિક હથિયારો નથી, કે નથી મોટી પરમાણું મિસાઈલ્સ અને મોટા જહાજો કે ફાઈટર પ્લેન. આ દેશો કોઈની સાથે દુશ્મનીમાં ઉતરતા નથી અને અન્યની દુશ્મનીમાં વચ્ચે પડતા નથી. આ દેશો પોતાની રાજદ્વારી સમજણ, પાડોશી દેશ સાથેની મિત્રતા અને શાંતિની નીતિને અનુસરીને મુદ્દાના ઉકેલ લાવે છે. શાંતિ જાળવવા અને સારી રીતે વિશ્વમાં રહેવા માટે આ દેશો ઉદાહરણરૂપ છે. દુનિયામાં એવા 22 દેશો છે જેમની પાસે પોતાનું સૈન્ય નથી. તેઓ બીજા દેશોના સૈન્ય અને અન્ય દેશો સાથેના કરારોના આધારે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું રક્ષણ કરે છે.

 

(5:37 PM IST)