<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

ઈરાનમાં ફસાયેલ વિદ્યાર્થીઓએ જણાવી પોતાની વેદના

નવી દિલ્હી:  ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ પણ ફસાયા છે અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઈરાનમાં વધી રહેલા ઇઝરાયલી હવાઈ હુમલાઓ વચ્ચે સેંકડો ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે પોતાના એપાર્ટમેન્ટના બેસમેંટમાં છુપાઈ ગયા છે. ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટના અવાજો અને ધીમી ઈન્ટરનેટ સ્પીડ જેવા કારણોસર ખૂબ જ ડરેલા છે. આ ભયાનક પરિસ્થિતિમાં, ભારતીય વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકારને મદદ માટે અપીલ કરી છે. કાશ્મીરના કુપવાડા જિલ્લાના રહેવાસી ઈમ્તિસલ મોહીદીન, તેહરાનમાં શાહિદ બેહેશ્તી યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષના એમબીબીએસ વિદ્યાર્થી છે. શાહિદ બેહેશ્તી યુનિવર્સિટીમાં 350 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેઓ હાલ ખૂબ જ ડરેલા છે. આ માહોલના કારણે યુનિવર્સિટીએ બધા ક્લાસ મુલતવી રાખ્યા છે અને વિદ્યાર્થીઓને બહાર જવાની મનાઈ ફરમાવી છે. ઇમ્તિસલના જણાવ્યા મુજબ, 'અમે હવે આખો દિવસ એપાર્ટમેન્ટના બેસમેંટમાં છુપાઈ રહીએ છીએ. તેમજ આખી રાત બ્લાસ્ટના અવાજ સંભળાય છે. અમે ત્રણ દિવસથી સૂતા નથી.'
ઈરાનમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તેહરાનમાં ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં જણાવ્યું છે કે, 'અમે 24/7 હેલ્પલાઇન સ્થાપિત કરી છે. ભારતીય સમુદાયના સભ્યો સાથે અમે સતત સંપર્કમાં છીએ. ભારતીયોએ ગભરાવાની જરૂર નથી બસ સાવચેત રહો અને ઈન્ટરનેટ મીડિયા દ્વારા ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહો. ભારતીયોની સલામતી અમારા માટે સર્વોપરી છે.'ભારતીયોને સતર્ક રહેવા, કોઈપણ બિનજરૂરી હિલચાલ ટાળવા અને ઇઝરાયલી અધિકારીઓ અને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા આપવામાં આવેલા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. તેલ અવીવમાં ભારતીય દૂતાવાસ ઇઝરાયલમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે સંપર્કમાં છે, જેમાં કેર વર્કર્સ, કામદારો, વિદ્યાર્થીઓ, વ્યવસાય અને પ્રવાસી જૂથોનો સમાવેશ થાય છે.

 

(5:29 PM IST)