<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

૯ કલાકમાં ૭૩૧ ઘેટાંનું ઊન ઉતારવાનો રેકોર્ડ

એકેય ઘેટાને જરાય ખરોંચ પણ નહોતી આવી

 

લંડન,તા.૨૮: ઇંગ્‍લેન્‍ડના કોર્નવોલમાં રહેતા મેટ સ્‍મિથ નામના ખેડૂતભાઈએ ઘેટાં પણ ખૂબ પાળ્‍યાં છે. મોટા ભાગે ઊન માટે થઈને ઘેટાંનો ઉછેર થતો હોય છે. મેટભાઈએ તેમના રોજબરોજના કામમાં પણ એટલી કુશળતા અને ત્‍વરા કેળવી છે કે હવે ઝટપટ ઊન ઉતારવાનો રેકોર્ડ તેમના નામે બોલે છે. મેટ સ્‍મિથે સૌથી લાંબા સમય સુધી અને સૌથી વધુ ઘેટાંનું ઊન ઉતારવાનો એમ બેવડો રેકોર્ડ બનાવ્‍યો છે. જાણે કોઈ ઇન્‍ડસ્‍ટ્રીમાં મશીન ચાલતું હોય એમ તે વારાફરતી ઘેટાંને બોર્ડ પર બોલાવે છે અને પછી ઊનકટરથી પળવારમાં જ એનું ઊન ઉતારી લે છે. આ કળા હાંસલ કરતાં તેમને ઘણો સમય લાગ્‍યો છે.

ન્‍યુ ઝીલેન્‍ડમાં જન્‍મેલા મેટે પહેલી વાર ૧૪ વષની ઉંમરે પિતાનું જોઈને એક ઘેટાનું ઊન ઉતારેલું. એ વખતે તેમણે પોતાના બન્ને હાથની આંગળીઓને લોહીલુહાણ કરી નાખેલી. એ વખતે તેના પિતાએ કહેલું કે જ્‍યાં સુધી તું તારી આંગળી કાપે છે ત્‍યાં સુધી વાંધો નથી, મારાં ઘેટાંને કંઈ ન થવું જોઈએ. બસ, આ એક વાકયથી મેટે ઊન ઉતારવાની કળાને આત્‍મસાત્‌ કરવાનું નક્કી કરી લીધું અને જ્‍યારે તેણે ૯ કલાક લગાતાર ૭૩૧ ઘેટાંનું ઊન ઉતાર્યું ત્‍યારે એકેય ઘેટાને જરાય ખરોંચ પણ નહોતી આવી.(૪૦.૯)

(10:08 AM IST)