News of Thursday, 21st August 2025
દાયકાથી જોઈ ન શકતી મહિલાની આંખમાં ડોક્ટરોએ દાંત ઇમ્પ્લાન્ટ કર્યો અને તે ફરી જોતી થઈ ગઈ
આ રેર સર્જરીમાં દરદીના દાંતને કાઢીને આંખના સોકેટમાં મૂકીને પ્રોસ્થેટિક કોર્નિયા ફિટ કરવામાં આવ્યો હતો

વિક્ટોરિયા,તા.૨૧: કેનેડાના વિક્ટોરિયા શહેરમાં રહેતાં ગેઇલ લેન નામનાં ૭૫ વર્ષનાં માજીની દ્રષ્ટિ ૧૦ વર્ષ પહેલાં ચાલી ગઈ હતી. તેમના શરીરની રોગપ્રતિકારકતાએ કોર્નિયા પર હુમલો કરતાં એના પર ઘસરકા પડી ગયા અને તેમની દ્રષ્ટિ ચાલી ગઈ. જોકે થોડા મહિનાઓ પહેલાં તેમના પર એક રેર પ્રકારની સર્જરી કરવામાં આવી અને એમાં સફળતા મળી ગઈ. આ સફળતાને કારણે હવે કોર્નિયા ડેમેજ થવાને કરણે દ્રષ્ટિ ગુમાવનારાઓ માટે આશાનું કિરણ પેદા થયું છે.
આ સર્જરી છે ઓસ્ટિઓ-ઓડોન્ટો કેરેટોપ્રોસ્થેસિસ (ઓઓકેપી). એમાં બે પાર્ટમાં ઓપરેશન થાય છે જેને ડોક્ટરો ટૂથ-ઇન આઇ સર્જરી કહે છે. એમાં પ્રોસ્થેટિક એટલે કે અસલી જેવો જ હૂબહૂ કોર્નિયા આંખમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. જોકે એ બરાબર યોગ્ય જગ્યાએ બેસે એ માટે દરદીનો જ એક દાંત કાઢીને એને આંખના સોકેટમાં ફિટ કરવામાં આવે છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં ગેઇલ લેન પર આ રેર સર્જરી થઈ હતી. આ પ્રોસીજરનાં પરિણામો ધીમે-ધીમે મળે છે. શરૂઆતમાં તેમને માત્ર અંધારા અને અજવાળા વચ્ચેનો ફરક સમજાવાનો શરૂ થયો અને પછી આસપાસની હલતી ચીજો દેખાવા માંડી. આંખમાં લગાવવામાં આવેલાં પ્રોસ્થેટિક ડિવાઇસ બરાબર બંધબેસતાં થઈ જાય અને બ્લડ-સપ્લાય રાબેતા મુજબ થઈ જાય એટલે વિઝન સુધરવા માંડે છે. સર્જરીના લગભગ ૬ મહિના બાદ હવે ગેઇલ બધું સ્પષ્ટતા સાથે ચીજો જોઈ શકે છે.
અમેરિકાના નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે કોર્નિયાના ડિસીઝને કારણે વિઝન જતું રહ્યું હોય અને બીજા કોઈ વિકલ્પ બચ્યા ન હોય ત્યારે આ પ્રયોગ કરી શકાય. આ પ્રોસીજર લગભગ ૪૦ વર્ષ પહેલાં ડેવલપ થઈ હતી, પરંતુ એના પ્રયોગ ખૂબ ઓછા થયા છે અને જે થયા છે એમાં આટલી સફળતા પહેલી વાર મળી છે.(૪૦.૩)
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
