News of Saturday, 18th October 2025
ઓએમજી.....ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને એક ભુખ્ખડ જાપાની બે વર્ષમાં 21 લાખનું મફતનું ભોજન ખાઈ ગયો
એક પણ રૂપિયો ચૂકવ્યા વગર કર્યા 1095 ઓર્ડર:કોન્ટેકલ્સ ડીલીવરીની સગવડને બનાવ્યું હથિયાર:આટલી તકેદારી રાખવા છતાં પણ ઝડપાઇ ગયો શખ્સ

નવી દિલ્હી: પારકાં નાણા માટે બૅંક જેવી સંસ્થાઓને ચૂનો લગાડતા લોકો વિશે તો ઘણીવાર સાંભળવામાં આવે છે, પણ મફતિયા ભોજન માટે કોઈ ફૂડ ડિલિવરી એપને ઉલ્લુ બનાવતા ‘ભુખ્ખડ બદમાશ’ વિશે સાંભળ્યું છે? ભારતમાં તો નહીં, પણ સાગરપારથી ખબર આવ્યા છે કે, એક જાપાની યુવાન મફતના ભોજન માટે ફૂડ ડિલિવરી ઍપ્લિકેશન્સને સતત બે વર્ષથી છેતરતો આવ્યો છે, અને એય પાછી જેવીતેવી છેતરપિંડી નથી. એ યુવાન છેલ્લા બે વર્ષમાં લગભગ 21 લાખ રૂપિયાનું મફતિયું ભોજન ઝાપટી ગયો છે. વાંચીને હસવું આવે એવા આ ગુનાની વિગતોમાં ઊંડા ઉતરીને જાણીએ કે આખરે એણે કેવી તરકીબો લગાવીને આ બદમાશી કરી હતી. 38 વર્ષના આરોપી ‘તાકુયા હિગાશિમોટો’ પર આરોપ લાગ્યો છે કે, એણે એપ્રિલ, 2023થી જુલાઈ, 2025 સુધી 'ડેમાએ-કાન' નામની લોકપ્રિય ફૂડ ડિલિવરી સેવાનો દુરુપયોગ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન એક પણ રૂપિયો ચૂકવ્યા વિના એણે 1,095થી વધુ ફૂડ ઑર્ડર કર્યા હતા, જેની કિંમત લાખો રૂપિયા થતી હતી!
ફૂડ ડિલિવરી એપ દ્વારા અપાતી 'કોન્ટેક્ટલેસ ડિલિવરી'ની સગવડનો તાકુયાએ હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો. કોન્ટેક્ટલેસ ડિલિવરીમાં ગ્રાહક એપ દ્વારા ફૂડનો ઑર્ડર આપે છે અને ઓનલાઇન ચૂકવણી કરે છે. ડિલિવરી કરનાર કર્મચારી ગ્રાહકના સરનામા પર દરવાજાની બહાર ફૂડનું પેકેટ મૂકીને જતો રહે છે અને એપ દ્વારા ગ્રાહકને ફૂડ ડિલિવર થઈ ગયાનું સૂચિત કરી દે છે. ત્યારબાદ ગ્રાહક દરવાજો ખોલીને પેકેટ લઈ લે છે. આમ, આ સગવડને લીધે ગ્રાહકે ફૂડ ડિલિવરી પર્સન સાથે સીધો સંપર્ક કરવાનો હોતો નથી.
તાકુયા શું કરતો? એ ફૂડ પેકેટ લઈ લેતો અને પછી તરત જ એપ પર ફરિયાદ દાખલ કરતો કે, એને ઑર્ડર પહોંચ્યો જ નથી. આ કામ માટે એ કદી કસ્ટમર કેર સાથે ફોન કૉલ પર વાત નહોતો કરતો, કાયમ ચેટ સુવિધા દ્વારા મેસેજ કરીને જ ફરિયાદ નોંધાવતો, જેથી એનો કોલ રૅકોર્ડ થવાની શક્યતા જ ઊભી ન થાય. ડિલિવરી પર્સને ભૂલથી કોઈ બીજા માણસને ફૂડ પહોંચાડી દીધું હશે, એમ માનીને ડિલિવરી એપ તાકુયાના એકાઉન્ટમાં નાણાં પરત કરી દેતી. છેતરપિંડીની આવી રમત કોઈ ગ્રાહક રમતું ન હોવાથી તાકુયા પર શંકા નહોતી કરાતી.
પોતાની ઓળખ છુપાવવા માટે અને કોઈ પોતાના પર શંકા ન કરે એ માટે તાકુયાએ ટૅક્નોલૉજીનો પણ ચાલાકીપૂર્વક ઉપયોગ કર્યો હતો. તેણે ડિલિવરી એપ પર 124થી વધુ નકલી એકાઉન્ટ બનાવ્યા હતા અને તે દર વખતે અલગ-અલગ એકાઉન્ટ પરથી ઑર્ડર કરતો, જેથી આવી બદમાશી કોઈ એક જ વ્યક્તિ કરી રહી છે, એવી કોઈને શંકા ન જાય. આટલા બધા એકાઉન્ટ્સ બનાવવા માટે તેણે અસંખ્ય પ્રીપેઈડ મોબાઇલ સિમ કાર્ડ ખરીદ્યા હતા. નવા ઑર્ડર માટે બનાવટી નામો અને અલગઅલગ સરનામાનો પણ એ ઉપયોગ કરતો. ક્યારેક કોઈ શોપિંગ મોલની બહાર ઑર્ડર મંગાવતો, તો ક્યારેક કોઈ સરકારી ઑફિસની બહાર! ઑર્ડર પૂરો થઈ જાય, ચૂકવેલા નાણા એના એકાઉન્ટમાં આવી જાય એટલે એ એકાઉન્ટ ડિલિટ કરી દેતો અને પછી ફરી ઑર્ડર કરતી વખતે ‘નવી ગિલ્લી, નવો દાવ’ અજમાવતો.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
