News of Friday, 24th October 2025
જાણો કૃતિમ વરસાદ માટે ક્લાઉડ સિડિંગમાં કેટલો ખર્ચ થાય છે
આ પદ્ધતિ વાદળોમાં રસાયણોનો ઉપયોગ કરીને કૃત્રિમ વરસાદ ઉત્પ્ન્ન કરે છે:આ ટેક્નિક દુષ્કાળ,પ્રદુષણ અથવા પાણીની અછતને હળવી કરવામાં મદદરૂપ થાય છે

નવી દિલ્હી: ક્લાઉડ સીડિંગ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જે વાદળોમાં રસાયણોનો ઉપયોગ કરીને કૃત્રિમ વરસાદ ઉત્પન્ન કરે છે. આ ટેક્નિક દુષ્કાળ, પ્રદૂષણ અથવા પાણીની અછતને હળવી કરવામાં મદદરૂપ થાય છે. ભારતમાં, દિલ્હી જેવા શહેરોમાં હવાને સ્વચ્છ કરવા માટે પણ ક્લાઉડ સીડિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવામાં ક્લાઉડ સીડિંગને લગતી તમામ માહિતી જાણીએ. ક્લાઉડ સીડિંગ એ એક એવી પ્રક્રિયા છે જેમાં વાદળોને 'બીજ' આપવામાં આવે છે. આમાં, વિમાન અથવા મશીનોનો ઉપયોગ કરીને વાદળોમાં નાના કણો દાખલ કરવામાં આવે છે, જે પાણીના ટીપાં અથવા બરફના ટુકડા બનાવવાનું કામ કરે છે. આના પરિણામે વરસાદ આવે છે. આને હવામાનમાં ફેરફાર લાવવા માટેની સુરક્ષિત ટૅક્નોલૉજી ગણવામાં આવે છે.
ભારતમાં દુષ્કાળ, પૂર અને પ્રદૂષણ જેવી મોટી સમસ્યાઓ છે. દિલ્હીમાં ખાસ કરીને શિયાળામાં સ્મોગથી શ્વાસની બીમારીઓ વધે છે. આ સમસ્યાઓ દૂર કરવા માટે, ક્લાઉડ સીડિંગથી કૃત્રિમ વરસાદ કરાવીને ધૂળ-કણો ધોઈ શકાય છે. દિલ્લીમાં પ્રદુષણ ઘટાડવા ક્લાઉડ સીડિંગ કરવામાં આવશે.
ક્લાઉડ સીડિંગનો ખર્ચ જગ્યા, પદ્ધતિ અને કદ પર નિર્ભર કરે છે. નાના પ્રોજેક્ટમાં લગભગ ₹12.5 લાખથી ₹41 લાખ અને મોટા પ્રોજેક્ટમાં વાર્ષિક ₹8-12 કરોડ જેટલો ખર્ચ આવે છે.
દિલ્હીમાં 2025ના ક્લાઉડ સીડિંગ ટ્રાયલ્સ માટે કુલ ₹3.21 કરોડ મંજૂર થયા છે, જે 5 ટ્રાયલ્સ માટે છે. દરેક ટ્રાયલનો ખર્ચ ₹55 લાખથી ₹1.5 કરોડ છે, ઉપરાંત પ્રારંભિક સેટઅપ પર વધુ ₹66 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. 100 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 5-6 દિવસની રાહત માટે પ્રતિ કિલોમીટર ₹1 લાખ ખર્ચ થાય છે.
ક્લાઉડ સીડિંગ માટે આ બે ટૅક્નોલૉજી મહત્ત્વની છે, જેમાં 'સ્ટેટિક સીડિંગ' - ઠંડા વાદળોમાં બરફના ક્રિસ્ટલ બનાવવા અને 'હાઇગ્રોસ્કોપિક સીડિંગ' - ગરમ વાદળોમાં મીઠાથી મોટા ટીપાં બનાવવા. ભારતમાં વિમાન, રોકેટ કે જમીન પરના મશીનોથી રસાયણો છાંટવામાં આવે છે. દિલ્હી ટ્રાયલમાં 90 મિનિટની ફ્લાઇટથી કામ થઈ જશે. વાદળોમાં ભેજ હોય છે, પણ ટીપાં બની શકતા નથી. ટૅક્નોલૉજીના કારણે ભેજમાં કણો નાખીને આ ટીપાંને જોડવામાં આવે છે. જેમાં ઠંડા વાદળો માટે બરફ બનાવવામાં આવે છે, જે પીગળીને વરસાદ આપે છે. જ્યારે ગરમ વાદળોમાં મીઠું ભેજ શોષે છે અને ભારે ટીપાં પાડે છે.
સૌથી સામાન્ય કેમિકલ સિલ્વર આયોડાઇડ (AgI) છે, જે બરફના ક્રિસ્ટલ બનાવે છે. અન્ય કેમિકલમાં પોટેશિયમ આયોડાઇડ, ડ્રાય આઇસ (ઘન કાર્બન ડાયોક્સાઇડ) અને લિક્વિડ પ્રોપેનનો સમાવેશ થાય છે, જે પર્યાવરણ માટે સુરક્ષિત છે, પરંતુ વધુ માત્રામાં ઉપયોગમાં લેવાથી ઝેરી હોઈ શકે છે. આ કેમિકલને વિમાનથી છાંટવામાં આવે છે અને કૃત્રિમ વરસાદ કરાવવામાં આવે છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
